બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી બ્રિટનની રાણી એલિઝાબેથના વીડિયોનું જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International

બ્રિટનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથનું સાત દાયકા સુધી શાસન કર્યા બાદ થોડાક દિવસો પહેલાં અવસાન થયું છે. તેણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી મહિલા બ્રિટનની રાણી એલિઝાબેથ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકો સામે જે મહિલા દેખાઈ રહી છે એ એક ફ્રેન્ચ ભાષામાં બનેલી ફિલ્મનું દ્રશ્ય છે. તે બ્રિટનની રાણી એલિઝાબેથ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ahir Dhanabhai Chandera નામના ફેસબુક પેજ દ્વારા 10 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ “આપિયા”સમાજની કુળદેવી એલિઝાબેથ છે. જ્યારે આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી મહિલા બ્રિટનની રાણી એલિઝાબેથ છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયોનું એક દ્રશ્ય સાથેનો અહેવાલ કેટલોગ લુમિઅર નામની એક ફ્રેન્ચ વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો. આ અહેવાલ પરથી અમને એ માલૂમ પડ્યું હતું કે, આ ફોટો 20 જાન્યુઆરી, 1901 ના રોજ રિલીજ થયેલી એક શોર્ટ ફિલ્મનો ભાગ છે. ગેબ્રિયલ વેરે નામના ડાયરેક્ટર દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી હતી અને તેને વિયેતનામ ખાતે શૂટ કરવામાં આવી હતી.

આ ફિલ્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, એક મહિલા ગરીબ અને અનાથ બાળકોની સામે પૈસા ફેંકી રહી છે અને બાળકો તેને એકત્ર કરી રહ્યા છે. આ ફિલ્મ વિશેની વધુ જાણકારી તમે imdb.com પર જોઈ શકો છો.  

અમારી વધુ તપાસમાં અમને લ્યુમિયર ફિલ્મોના સંગ્રહ કરતી એક ચેનલ પ્રાપ્ત થઈ હતી.  જેમાં તમે પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો જોઈ શકો છો. આ વીડિયોનું શીર્ષક હતું, “લુમિઅર: લેડીઝ પેગોડા (1900)ની સામે સિક્કા ઉપાડતા અનામીઝ બાળકો.”

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ વીડિયો રાણી એલિઝાબેથનો નહીં પરંતુ એક ફ્રેન્ચ ફિલ્મનો હોવાની માહિતી આપતી એક ટ્વિટ HBKU ના એક પ્રોફેસર દ્વારા કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

વધુમાં તમને એ પણ જણાવી દઈએ કે, બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો જન્મ 21 એપ્રિલ, 1926 માં થયો હતો અને તેમનું અવસાન 8 સપ્ટેમ્બર, 2022 ના રોજ થયું છે. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોની ફ્રેન્ચ ફિલ્મ 20 જાન્યુઆરી, 1901 ના રોજ રિલીજ થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકો સામે જે મહિલા દેખાઈ રહી છે એ એક ફ્રેન્ચ ભાષામાં બનેલી ફિલ્મનું દ્રશ્ય છે. તે બ્રિટનની રાણી એલિઝાબેથ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી બ્રિટનની રાણી એલિઝાબેથના વીડિયોનું જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False