
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એવું કહી રહ્યા છે કે, “જો કોઈ કિસાનના વિરોધમાં મારા મોંઢેથી કોઈ શબ્દ નીકળ્યો હોય તો એ આદમી મારી પાસે આવીને માફી માંગી શકે છે.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જે બોલી રહ્યા છે એ ફક્તને ફક્ત મજાક કરી રહ્યા છે. તેમની આ મજાકના વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Pravinsinh PS નામના ફેસબુક પેજ દ્વારા 10 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કોઈએ માફી માંગવી હોય તો પંજાબ આપના મુખ્યમંત્રી શ્રી સ્ટેજ પર હાજર જ છે હે ભગવાન ગુજરાતનું શુ થશે ?¿
ઉડતા ગુજરાત
. જ્યારે આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એવું કહી રહ્યા છે કે, “જો કોઈ કિસાનના વિરોધમાં મારા મોંઢેથી કોઈ શબ્દ નીકળ્યો હોય તો એ આદમી મારી પાસે આવીને માફી માંગી શકે છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ધ ટ્રિબ્યૂન દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 9 સપ્ટેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોમાં તમે 27.22 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોને સાંભળી શકો છો.
જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે, “જો કોઈ કિસાનના વિરોધમાં મારા મોંઢેથી કોઈ શબ્દ નીકળ્યો હોય તો એ આદમી જ્યારે મરજી આવે ત્યારે મારી પાસે આવીને માફી માંગી શકે છે.” ત્યાર બાદ તેઓ થોડું હસીને એવું કહે છે કે, “હું કંઈ એવું ખોટું બોલ્યો જ નથી તો પછી માફીની જરુર જ શું છે…”
જેના પરથી આપણે સમજી શકીએ છીએ કે, વાયરલ થઈ રહેલો અધૂરો છે. પરંતુ જ્યારે પૂરો વીડિયો જોઈએ ત્યારે આપણે ભગવંત માન દ્વારા કરવામાં આવેલી મજાકને સમજી શકીએ છીએ.
નીચે તમે ઓરિજીનલ વીડિયો અને એડિટેડ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
ધ ટ્રિબ્યુનના આ વીડિયો સાથેની માહિતીમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ભગવંત માન અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટી (AAP)ના ચૂંટણી વચનોની જાહેરાત કરવા હિમાચલ પ્રદેશના મંડી ખાતે ગયા હતા.
મુખ્યમંત્રી માન અને મનીષ સિસોદિયાએ ત્યાં સંસ્કૃતિ સદનમાં એક જાહેર સભાને સંબોધિત કરી અને રાજ્યના લોકો માટે ગેરંટી જાહેર કરી હતી. ભગવંત માન મંડીમાં તેમની રેલીમાં શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ વિશે વાત કરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જે બોલી રહ્યા છે એ ફક્તને ફક્ત મજાક કરી રહ્યા છે. તેમની આ મજાકના વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ભાષણનો અધૂરો વીડિયો મજાકના સંદર્ભમાં વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
