ગુજરાતમાં કોંગ્રેસની 14 સીટ આવશે…! કોણે કરી આગાહી…? જાણો શું છે સત્ય…

રાજકીય I Political

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આમા ભગતડા 26 જીતવાની વાત કરે સે.. શેયર કરો… જ્યારે પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં અંબાલાલ પટેલ નામના આગાહી નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી મોટાભાગની આગાહીઓ સાચી પુરવાર થઈ છે અને તેમણે 2019ની ચૂંટણી માટે એવી આગાહી કરી છે કે, ગુજરાતં કોંગ્રેસ પક્ષ 14 સીટો જીતશે અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી વધારે મતથી જીતશે તે સીટ પાટણની હશે. આ પોસ્ટને લગભગ 134 જેટલા લોકોએ લાઈક કરી હતી. 12 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Facebook | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી  પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લીધો અને અંબાલાલ પટેલની આગાહી સર્ચ કરતા અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

Google | Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને લોકસભાની ચૂંટણી 2019 ગુજરાત માટે અંબાલાલ પટેલે આગાહી કરી હોય એવું ક્યાંય પણ જાણવા મળ્યું નહીં. જેને પરિણામે અમે સત્યની નજીક જવા માટે અમારી તપાસ આગળ વધારી.

અમે વધુ તપાસ માટે અંબાલાલ પટેલ સાથે આ સમગ્ર ઘટના અંગે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું કે, “મારા નામે સોશિયલ મીડિયા પર આ રીતે મેસેજ વાયરલ થઈ રહ્યા છે તે અંગેની માહિતી મને 22 એપ્રિલ, 2019 ના રોજ પ્રાપ્ત થઈ હતી. મારે ફક્ત એટલું જ કહેવું છે કે, હમણાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પોતાના રાજકીય લાભ માટે કેટલાક લોકો દ્વારા આવી ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે. મેં 2019 ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતને લઈને આ પ્રકારની કોઈ જ આગાહી કરી નથી. કદાચ મારા સિવાય બીજા કોઈ અંબાલાલ પટેલે આ આગાહી કરી હોય તો મારા ધ્યાને નથી. પણ મેં તો આ પ્રકારે કોઈ જ આગાહી કરી નથી”.

પરિણામ:

આમ, અમારા તમામ સંશોધન બાદ અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, ઉપરોક્ત પોસ્ટમાં ગુજરાતમાં કોંગ્રેસની 14 સીટો આવશે એવી આગાહી અંબાલાલ પટેલે કરી એ અંગેનો દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:ગુજરાતમાં કોંગ્રેસની 14 સીટ આવશે…! કોણે કરી આગાહી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False