
ગત તારીખ 23 એપ્રિલના રોજ ગુજરાતી મેરા ન્યુઝ વેબ પોર્ટલ દ્વારા એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જૂનાગઢના ભાજપના સાંસદના PA દારૂ અને રોકડા રૂપિયા સાથે પકડાયા.” આ પોસ્ટને 730 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
મેરા ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારને વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો…
ORIGINAL LINK | ARCHIVE LINK | PHOTO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટની સત્યતા તપાસવા સૌપ્રથમ અમે જૂનાગઢ એ ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે પૂછતા અમને જાણવા મળ્યુ હતું કે. ગુના રજીસ્ટર નંબર 218/2019માં રવિરાજ અતુલભાઈ વ્યાસ અને સંજય ઉર્ફે બાડિયો દૂલાભાઈ સોલંકી નામની વ્યક્તિ સામે 65-A, 98(2), 81 મુજબ ફરિયાદ નોંધાયેલી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રવિરાજ અતુલભાઈ વ્યાસ પાસેથી 3.31 લાખ રૂપિયા અને સંજય સોલંકી પાસેથી 62,200 રૂપિયા પોલીસને મળ્યા હતા, પરંતુ ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ કે સંજય દ્વારા પોલીસ પર રોફ જમાવી છોડી દેવા આદેશ કર્યો હતો. તેવો ફરિયાદમાં કયાંય પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.. તેમજ બંને પકડાયેલા આરોપીમાંથી કોઈ પણ રાજકીય વ્યક્તિ સાથે સંપર્ક હોવાનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો નથી.
ત્યારબાદ અમે આ ફરિયાદની તપાસ કરતા અધિકારી મધુભાઈ અમરાભાઈ વાળા(એમ.એ.વાળા) સાથે વાત કરી હતી અને ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે પૂછતા તેમણે અમને જણાવ્યું હતું કે “ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલી વાત ખોટી છે, બંને આરોપીમાંથી કોઈપણ વ્યક્તિએ પોતે રાજકીય આગેવાન સાથે સંપર્ક હોવાનું જણાવ્યું ન હતું. તેમજ પોલીસ પર રોફ જમાવવાની વાત પણ ખોટી છે.”

ત્યાર બાદ વધુ પડતાલમાં અમને સોશિયલ મીડિયાના માધ્યમથી એક પત્ર પ્રાપ્ત થયો હતો. જે પત્ર રવિરાજ વ્યાસનો હોવાનું જાણવા મળ્યું હતું, જેમા રવિરાજનો ફોટો લગાવેલો હતો અને તેના હસ્તાક્ષર પણ કરવામાં આવેલા હતા., જેમાં લખવામાં આવેલુ હતું કે, “હું કોઈનો પીએ કે અંગત સચિવ કે માણસ નથી મારા મને ભાજપ/કોંગ્રેસ બંને સરખા જે આખું ગામ જાણે છે.”
જો કે, હજુ પણ અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ રાખી હતી અને જૂનાગઢ ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમા જોડે વાત કરી હતી અને ઉપરોક્ત પોસ્ટ અંગે પૂછતા તેમણે અમને જણાવ્યું હતું કે, “પકડાયેલા બંને આરોપીમાંથી કોઈપણ વ્યક્તિને ઓળખતો નથી, મારા પીએ દારૂ અને રોકડા રૂપિયા સાથે પકડાયા તે વાત ખોટી છે. મારા અંગત સચિવ વિજય ભરડા સાથે જ છે. રાજકીય ફાયદો લેવા માટે આ પ્રકારે ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પકડાયેલા બંને આરોપીઓમાંથી કોઈએ પોલીસ પર રોફ જમાવ્યો હોય કે બંનેમાંથી કોઈ સાંસદનો PA હોય તે વાત સાબિત થતી નથી.

Title:શું ખરેખર જૂનાગઢ સાંસદનો PA દારૂની બોટલ સાથે ઝડપાયો..? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
