જાણો શીરડી સાંઈબાબાના મંદિરની આવકના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કોથળા ભરેલા પૈસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શીરડી સાંઈબાબાની મંદિર ખાતે થયેલી આવકનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ શીરડી સાંઈબાબા મંદિરની આવકનો નહીં પરંતુ બાંગ્લાદેશના ઢાકા ખાતે આવેલી પગ્લા મસ્જિદની દાનપેટીમાં આવેલી દાનની રકમનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Raju Patel નામના ફેસબુક યુઝર દ્વારા 7 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, શીરડી સાંઈ બાબા ની આવક બધાં કયા છે જુવો આવક હિન્દુ ઓ ની છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શીરડી સાંઈબાબાની મંદિર ખાતે થયેલી આવકનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં બોલાતી ભાષા કંઈક અલગ છે તેમજ નોટો પણ ભારતીય ચલણ જેવી નથી લાગતી.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને The Daily Star દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 6 મે, 2023 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બાંગ્લાદેશના ઢાકા શહેરના કિશોરગંજ ખાતે આવેલી પગ્લા મસ્જિદમાં 8 દાનપેટીઓમાંથી 19 કોથળા ભરીને દાનની રકમ પ્રાપ્ત થઈ હતી.
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાઈ રહેલી નોટોને જોઈ શકો છો.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Bangla Vision News | SOMOY TV | JagoNews24.com
વધુમાં તમે બાંગ્લાદેશમાં વપરાતી ચલણી નોટો en.numista.com પર જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ શીરડી સાંઈબાબા મંદિરની આવકનો નહીં પરંતુ બાંગ્લાદેશના ઢાકા ખાતે આવેલી પગ્લા મસ્જિદની દાનપેટીમાં આવેલી દાનની રકમનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો શીરડી સાંઈબાબાના મંદિરની આવકના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય...
Written By: Vikas VyasResult: False