એક સ્ત્રી 11 વર્ષે માતા બની હોવાની માહિતી સાથેના ફોટાની ભ્રામક કહાની વાયરલ… જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાના બાળક સાથેની એક સ્ત્રી તેમજ બાજુમાં દવાખાનના ડ્રેસમાં બેસીને રડી રહેલા એક વ્યકિતેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સ્ત્રી 11 વર્ષે માતા બની તો તેણે બાળકને જીવતું રાખવા પોતાના પ્રાણ ત્યજી દીધા ત્યારે બાજુમાં બેઠેલા ડૉક્ટર પણ રડી પડ્યા હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યા છે એ બંને ફોટો જૂના અને જુદા-જુદા છે આ બંને ફોટોને પોસ્ટમાં મૂકવામાં આવેલી કહાની સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chetan Sinh Chavada નામના ફેસબુક યુઝર દ્વારા 21 જાન્યુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, એક સ્ત્રીને ૧૧ વર્ષ રાહ જોયા પછી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.. પોતે ગંભીર રોગથી પીડિત હતી. બાળકને જન્મ આપતા સમયે તેના જીવનું જોખમ ઉભું થાય છે. ઓપરેશન દરમ્યાન ૭ કલાક સુધી ડોક્ટર પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. અંતે સમય એવો આવે છે કે માતા અથવા તો બાળક એક જ બચી શકે તેમ છે. છેવટે ડોક્ટર માતાને પૂછીને તેનો નિર્ણય અમલ કરવાનું નક્કી કરે છે. માતા પોતાના જીવનના ભોગે પણ બાળકને બચાવવાનું કહે છે. બાળકના જન્મ પછી માતા બાળકને છેલ્લી વખત ચુંબન અને આલિંગન કરે છે. સ્મિત કરે છે પછી હંમેશાને માટે પોતાની આંખો બંધ કરી દે છે. બાળક રડી રહ્યું છે. ડોક્ટરની આંખોમાં પણ આંસુ છે. એક જનેતા પોતાના સંતાનને બચાવવા માટે જીવનનો પણ ત્યાગ કરી શકે છે.. માતાનો પ્રેમ , ત્યાગ બેજોડ છે.. . આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સ્ત્રી 11 વર્ષે માતા બની તો તેણે બાળકને જીવતું રાખવા પોતાના પ્રાણ ત્યજી દીધા ત્યારે બાજુમાં બેઠેલા ડૉક્ટર પણ રડી પડ્યા હતા.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રથમ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો Merve Tiritoğlu Şengünler Photography નામના એક ફેસબુક પેજ દ્વારા 14 ડિસેમ્બર, 2015 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, “સૌથી સુંદર પુન:મિલન”.

ફેસબુક પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, Merve Tiritoğlu Şengünler એ એક તુર્કીશ ફોટોગ્રાફર છે જે મેટરનિટી ફોટોશૂટ કરે છે. વધુમાં આ ફોટો સાથે શીર્ષકમાં તુર્કી ભાષામાં જે લખાણ કરવામાં આવ્યું છે તેને અમે ગુગલ ટ્રાન્સલેટનો સહારો લઈને સર્ચ કરતાં તેમાં પણ તેનો અર્થ “સૌથી સુંદર પુન:મિલન” એવો જોવા મળ્યો હતો.

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો ozgemetinphotography નામના એક ઈન્સ્ટાગ્રામ આઈડી પર 5 સપ્ટેમ્બર, 2017 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આ ફોટો સાથે પણ તુર્કીશ ભાષામાં એવું સખેલું જોવા મળી રહ્યું છે કે, આ એક પિતા બનેલા વ્યક્તિનો ફોટો છે. પિતા બનવાની ખુશીમાં તે ભાવુક થયેલો જોવા મળી રહ્યો છે. ozgemetin પણ એક તુર્કીશ ફોટોગ્રાફર છે એ પણ મેટરનિટી ફોટોશૂટ કરે છે. તેના સોશિયલ મીડિયા પર તમે આવા અન્ય ફોટો પણ જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યા છે એ બંને ફોટો જૂના અને જુદા-જુદા છે આ બંને ફોટોને પોસ્ટમાં મૂકવામાં આવેલી કહાની સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:એક સ્ત્રી 11 વર્ષે માતા બની હોવાની માહિતી સાથેના ફોટાની ભ્રામક કહાની વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading