સૂટકેસમાં બંધ યુવતીની આ લાશને લવ જેહાદ સાથે કોઈ લેવા-દેવા નથી... જાણો શું છે સત્ય....
હાલમાં સોશિયલ મિડિયામાં એક યુવતીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. અને બીજા ફોટોમાં સૂટકેશમાં આજ યુવતીની લાશ હોવાનું જોવા મળી રહ્યુ છે. આ બંને ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતી યુવતી લવજેહાદનો ભોગ બનવા પામી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ કેસને લવજેહાદ સાથે કોઈ લેવા-દેવા નથી. આરોપી અને મૃતક યુવતી બંને મુસ્લિમ સમુદાયના છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Manoj Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતી યુવતી લવજેહાદનો ભોગ બનવા પામી છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 26 માર્ચના રોજ પ્રકાશિત થયેલા ન્યૂઝ18 હિન્દીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ સમાચાર અનુસાર, “આરોપી ગુલશેર ઉર્ફે ગુલબેઝે પિડિત યુવતીને પીરાન કાલિયારમાં આવેલા ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. થોડા સમય પછી જ્યારે તે ભારે સૂટકેસ લઈને હોટલની બહાર આવ્યો ત્યારે ત્યાં હાજર સ્ટાફને શંકા ગઈ. જ્યારે તેમણે તે સૂટકેસ ખોલી તો તેમાં એક છોકરીની લાશ મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરી તો છોકરાએ પહેલા આત્મહત્યાની વાત કહી અને પછી હત્યાનો મામલો સામે આવ્યો.”
જ્યારે ફેક્ટ ક્રેસેન્ડોએ રૂરકીના નાયબ પોલીસ અધિક્ષક વિવેક કુમારનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે લવ જેહાદના આરોપને નકારી કાઢ્યો.
તેમણે કહ્યું, “ઈન્ટરનેટ પર કરવામાં આવી રહેલા દાવા ખોટા છે. છોકરો અને છોકરી બંને મુસ્લિમ છે અને નજીકના સગા પણ હતા. તેઓનો અફેર ચાલતો હતો અને 24મીએ રાત્રે આરોપીએ યુવતીની હત્યા કરી હતી અને તેને સૂટકેસમાં પેક કરીને તેના મૃતદેહનો નિકાલ કરી રહ્યો હતો. આરોપી વિરૂદ્ધ મૃતક બાળકીના પિતા રાશિદે કલમ 302 હેઠળ કેસ દાખલ કર્યો હતો અને તેને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ કેસને લવજેહાદ સાથે કોઈ લેવા-દેવા નથી. આરોપી અને મૃતક યુવતી બંને મુસ્લિમ સમુદાયના છે.
Title:સૂટકેસમાં બંધ યુવતીની આ લાશને લવ જેહાદ સાથે કોઈ લેવા-દેવા નથી... જાણો શું છે સત્ય....
Fact Check By: Yogesh KariaResult: False