બાંગ્લાદેશમાં હિંસાનો એક ખૂબ જ ચિંતાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મૃતકને પ્રતિમાથી લટકતો અને નિર્દયતાથી મારવામાં આવતો દેખાઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે, “આ વ્યક્તિ હિંદુ છે અને બાંગ્લાદેશમાં મુસ્લિમોએ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વ્યક્તિ હિંદુ છે અને બાંગ્લાદેશમાં મુસ્લિમોએ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

અમે વાયરલ વીડિયોમાંથી કેટલાક સ્ક્રીનશોટ લઈને અને રિવર્સ ઈમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી. પરિણામે, અમને બંગાળી કેપ્શન્સ સાથેની એક યુટ્યુબ લિંક મળી જેમાં કહેવામાં આવ્યું હતું કે, અવામી લીગના નેતા હિરન અધ્યક્ષને ઝેનાઈદહમાં લોકોએ મારી નાખ્યા અને ફાંસી આપી. લિંક સાથેનો થંબનેલ ફોટો વાયરલ વીડિયોના સ્ક્રીનશૉટ જેવો જ હતો.

પરંતુ જ્યારે અમે લિંક પર ક્લિક કર્યું, તો અમે જોયું કે વીડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ નથી.

અમે આ કેપ્શનનો ઉપયોગ સંસાધન તરીકે કર્યો હતો અને યુટ્યુબ પર બંગાળીમાં કીવર્ડ શોધ્યા હતા અને બંગાળીમાં કેપ્શન્સ સાથે 5 ઑગસ્ટના રોજ અપલોડ કરેલો વીડિયો મળ્યો હતો. કેપ્શન મુજબ, અવામી લીગના નેતા હિરન અધ્યક્ષને ઝિનાઈદહમાં લોકોએ મારીને ફાંસી આપી હતી.

Youtube Link | Archive

આ વીડિયો દૂરથી લેવામાં આવ્યો હતો અને બંગાળીમાં એક વોઇસઓવર હતો કે, “જાણીતા હિરન અધ્યક્ષની હત્યા કરીને ફાંસી આપવામાં આવી છે. તેના પાર્થિવ દેહને જોવા માટે હજારો લોકો બહાર આવ્યા હતા. 0.44 ટાઈમસ્ટેમ્પ પર, વીડિયોને ઝૂમ કરવામાં આવ્યો હતો અને પછી વાયરલ વીડિયોમાં વ્યક્તિના માથાનો ભાગ તે યુટ્યુબ વીડિયોમાં જોઈ શકાય છે. આ ઉપરાંત, યુટ્યુબ વીડિયોની સ્ક્રીનની નીચે એક વ્યક્તિનો ફોટો જોડવામાં આવ્યો હતો.

અમે તે ફોટાની રિવર્સ ઇમેજ સર્ચ કરી અને પછી ટ્વિટર હેન્ડલ પર 6 ઓગસ્ટના રોજ કરવામાં આવેલ એક ટ્વિટ મળી જેમાં આ ફોટો તેમજ વાયરલ વીડિયો હતો. ટ્વિટના કેપ્શન મુજબ, આ વ્યક્તિ અવામી લીગના સભ્ય શાહિદુલ ઈસ્લામ હિરાન છે. શેખ હસીનાની હકાલપટ્ટી પછી, શાહિદુલ ઇસ્લામ હિરાનનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતું અને તેના મૃતદેહને શહેરના કેન્દ્રમાં લટકાવી દેવામાં આવ્યો હતો. તેઓ 75 વર્ષના હતા. શાહિદુલ ઈસ્લામ હિરાનના ડ્રાઈવરનું પણ મોત થયું હતું.

Archive

આગળ વધતા, સંબંધિત કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતા અમને 6 ઓગસ્ટ 2024ના રોજ કોર્પોરેટ સોંગબાડ વેબસાઈટ પર પ્રકાશિત થયેલો અહેવાલ મળ્યો. વાયરલ વીડિયોનો અસ્પષ્ટ સ્ક્રીનશોટ, શાહિદુલ ઈસ્લામ હિરાનનો ફોટો સાથે, અહેવાલ સાથે જોડાયેલો હતો.

રિપોર્ટ અનુસાર, “ઝીનાઈદહ સદર ઉપજિલા અવામી લીગના જનરલ સેક્રેટરી અને સ્થાનિક પોરાહાટી સંઘના અધ્યક્ષ શાહિદુલ ઈસ્લામ હિરાન (75)નું મોત થયું છે. ટોળાએ સ્ટેડિયમપરામાં તેમના ઘર પર હુમલો કર્યો અને તેને આગ ચાંપી દીધી. તે પછી, તેઓ તેના મૃતદેહને પિયારા છત્તર પર લઈ ગયા અને ત્યાં તેની લાશને લટકાવી દીધી.

અગાઉ, જ્યારે ભીડે હિરનના ઘરને ઘેરી લીધું હતું, ત્યારે શાહિદુલ ઇસ્લામ હિરને તેની લાઇસન્સવાળી બંદૂક અને પિસ્તોલથી ગોળીબાર કર્યો હતો. જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને ઝેનાઈદહ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હિરનની કારના ડ્રાઈવર અખ્તર હુસૈનનું બપોરે મૃત્યુ થયું હતું.

Archive

આ જ માહિતી સાથેના અન્ય અહેવાલ તમે આ લિંક (સંગ્રહ), લિંક (સંગ્રહ) પર ક્લિક કરી જોઈ શકો છો.

આમ, સ્પષ્ટ છે કે, વાયરલ વીડિયોમાં વ્યક્તિ શાહિદુલ ઈસ્લામ હિરન હતો, જે ઝેનાઈદહ સદર ઉપજિલા અવામી લીગનો જનરલ સેક્રેટરી અને સ્થાનિક પોરહાટી સંઘનો અધ્યક્ષ હતો. તે હિંદુ ન હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયોમાં બાંગ્લાદેશમાં મુસ્લિમો દ્વારા હિંદુ વ્યક્તિ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો તેનો વીડિયો નથી. વાઈરલ વીડિયોમાં જે વ્યક્તિ છે તે ઝિનાઈદહ સદર ઉપજિલ્લા અવામી લીગના જનરલ સેક્રેટરી અને સ્થાનિક પોરાહાટી સંઘના અધ્યક્ષ શાહિદુલ ઈસ્લામ હિરાન હતા, જેમની લાશ પિયારા છત્તરમાં લટકાવવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: શું ખરેખર બાંગ્લાદેશમાં હિન્દુને જીવતા સળગાવી દેવામાં આવ્યા...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False