જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં એકજૂટ થયેલા હિંદુઓના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા રંગના કપડાં પહેરેલી ભીડની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં હિંદુઓએ એકજૂટ થઈ રેલી કાઢી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવા રંગના કપડાં પહેરેલી ભીડની રેલીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બાંગ્લાદેશમાં સપ્ટેમ્બર 2023 માં યોજાયેલી બાંગ્લાદેશ છાત્ર સંઘની રેલીનો છે. આ વીડિયોને બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઢાકાના રસ્તાઓ પર ભાગવા રંગનો જન સેલાબ ઉમટી પડ્યો. સંગઠિત રહોતો વિશ્વ વંદન કરે છે, વીખેરાઈ ગયાં તો સુવર નોચી ખાશે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં હિંદુઓએ એકજૂટ થઈ રેલી કાઢી તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને રેલીમાં દેખાઈ રહેલા આજ દ્રશ્યો સાથેના ફોટોની 1 સપ્ટેમ્બર, 2023 ના રોજ કરવામાં આવેલી એક ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી.
આ પોસ્ટમાં એવી માહિતી આપવામાં આવી છે કે, “રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન અને બંગમાતા શેખ ફઝિલાતુન્નેસા મુજીબ”ની યાદમાં બાંગ્લાદેશ છાત્ર લીગ દ્વારા ગફરગાંવ ઉપજિલા છાત્ર લીગ અને મ્યુનિસિપલ છાત્ર લીગ દ્વારા આયોજિત રેલી.
અમારી વધુ તપાસમાં અમને સપ્ટેમ્બર 2023માં યોજાયેલી આ રેલીને લગતા ઘણા મીડિયા અહેવાલો મળ્યા. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, છાત્ર લીગે 1 સપ્ટેમ્બર, 2023ના રોજ ઢાકાના સુહરાવર્દી ઉદ્યાનમાં એક રેલીનું આયોજન કર્યું હતું. લાખો છાત્રો આ ઐતિહાસિક રેલીમાં સમગ્ર બાંગ્લાદેશમાંથી લીગના સભ્યોએ ભાગ લીધો હતો. શેખ હસીનાએ પોતે સુહરાવર્દી ઉદ્યાનમાં સભાને સંબોધિત કરી હતી. આ રેલીનું આયોજન ‘રાષ્ટ્રપિતા’ બંગબંધુ શેખ મુજીબુર રહેમાન અને બંગમાતા શેખ ફઝીલાતુન્નેસા મુજીબના સન્માન માટે કરવામાં આવ્યું હતું.
વધુમાં અમને YouTube પર એક યુટ્યુબ યુઝર દ્વારા 2 સપ્ટેમ્બર, 2023 ના રોજ અપલોડ કરવામાં આવેલ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ રેલી ઢાકાના સુહરાવર્દી ઉદ્યાનમાં જોડાવા માટે ગફરગાંવ ઉપજિલ્લામાં પહોંચી હતી. આ રેલીનું નેતૃત્વ ગફારગાંવ ઉપજિલ્લા વિસ્તારના મૈમનસિંહ સીટના ભૂતપૂર્વ સંસદસભ્ય ફહમી ગુલંદાજ બાબેલે કર્યું હતું. આ તમામ વીડિયોમાં લોકોને શેખ હસીનાના નારા લગાવતા પણ સાંભળી શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવા રંગના કપડાં પહેરેલી ભીડની રેલીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બાંગ્લાદેશમાં સપ્ટેમ્બર 2023 માં યોજાયેલી બાંગ્લાદેશ છાત્ર સંઘની રેલીનો છે. આ વીડિયોને બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં એકજૂટ થયેલા હિંદુઓના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: False