
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાઈક લઈને ભાગી રહેલા એક યુવાનને પોલીસ દ્વારા પકડવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શ્રીનગર ખાતે ભારતીય જવાનો દ્વારા એક આતંકવાદીને પકડવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો શ્રીનગર ખાતે ભારતીય જવાનો દ્વારા પકડવામાં આવેલા આતંકવાદીનો નહીં પરંતુ બ્રાઝિલના પેરોલા શહેર ખાતે પોલીસ દ્વારા પકડવામાં આવેલા એક યુવકનો છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Pal Chavda Ahir નામના ફેસબુક યુઝર દ્વારા 14 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, શ્રીનગરમાં આતંકવાદી પકડાયો! લાઈવ દ્રષ્યો! જય હો મા ભારતીના જાંબાઝોની અને તેની ચપળતાને સલામ . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શ્રીનગર ખાતે ભારતીય જવાનો દ્વારા એક આતંકવાદીને પકડવામાં આવ્યો તેનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલમરિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને g1.globo.com દ્વારા 2 ઓગષ્ટ, 2021 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો બ્રાઝિલના પેરોલા શહેરનો છે. ઉત્તર પશ્ચિમી પરાનાના પેરોલા શહેરમાં સૈન્યના એક પોલીસ અધિકારીએ એક 17 વર્ષના યુવકને તેની ગાડી દ્વારા ટક્કર મારીને પકડી લેવામાં આવ્યો હતો. સમાચારમાં આપવામાં આવેલી માહિતી મુજબ સૈન્યના પોલીસ અધિકારીને એ યુવાન શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારીએ એ યુવકને રોકાઈ જવાનો આદેશ આપ્યો હતો પરંતુ તે ભાગી છૂટ્યો હતો. પોલીસ અધિકારી દ્વારા તેનો પીછો કરતાં એ યુવક શહેરના ઘણા રસ્તાઓ પરથી પસાર થઈને છેલ્લે પોલીસ વાહન સાથે અથડાયો હતો અને તેને પકડી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમારી વધુ તપાસમાં અમે જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આજ વીડિયો Balanço Geral Curitiba નામની એક સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 3 ઓગષ્ટ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જ્યારે આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “એક 17 વપર્ષના છોકરાએ બોર્ડિંગમાંથી ભાગવાની કોશિશ કરી હતી ત્યારે પોલીસે તેનો પીછો કરતાં તે પોલીસની ગાડી સાથે ટકરાઈને નીચે પડી જતાં પોલીસે તેને પકડી લીધો હતો. પૂછપરછ બાદ આ છોકરો સગીર હોવાથી પોલીસે તેના પિતાને આ કેસમાં જવાબ માટે બોલાવ્યા હતા.”
ત્યાર બાદ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, શું ખરેખરમાં શ્રીનગર ખાતે ભારતીય સેના દ્વારા કોઈ આતંકવાદીને પકડવામાં આવ્યો છે કે કેમ?
ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને indiatoday.in દ્વારા 14 ઓગષ્ટ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, હિજબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા એક આતંકવાદીને જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં જ આતંકવાદી રેંકમાં સામેલ થયેલા મુજમ્મિલ શાહને પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત અભિયાનમાં પતિમહલ્લા પાલમારના કુલના વનક્ષેત્રમાંથી ગિરફ્તાર કરવામાં આવ્યો છે.
ત્યાર બાદ અમારી ફેક્ટ ક્રેસેન્ડોની ટીમ દ્વારા કાશ્મીરના એક ફોટો જર્નાલિસ્ટ બસિત જારગર સાથે વાત કરતાં તેઓએ અમને એ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જમ્મુ-કાશ્મીરના શ્રીનગરનો નથી.
ત્યાર બાદ અમે તેમને એ પૂછ્યું હતું કે, તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં કોઈ આતંકવાદી પકડાયો છે કે કેમ? તો તેઓએ જવાબમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પકડાવાની ઘટના એક સામાન્ય બની ગઈ છે. આ કોઈ નવાઈની વાત નથી. અહીંયાં આતંકવાદી ગિરફ્તાર થતા રહે છે. પરંતુ એ સ્પષ્ટ છે કે, વાયરલ વીડિયો શ્રીનગરનો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો શ્રીનગર ખાતે ભારતીય જવાનો દ્વારા પકડવામાં આવેલા આતંકવાદીનો નહીં પરંતુ બ્રાઝિલના પેરોલા શહેર ખાતે પોલીસ દ્વારા પકડવામાં આવેલા એક યુવકનો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો શ્રીનગર ખાતે પકડાયેલા આતંકવાદીનો છે…?
Fact Check By: Vikas VyasResult: False
