
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા અને મનપા અને નગરપાલિકામાં ભાજપની સરકાર બની છે. ત્યારે સુરતમાં ગતવર્ષની સરખામણીએ આમ આદમી પાર્ટીને નુકશાન થયુ છે. ત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અરવિંદ કેજરીવાલ રડતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતમાં આમ આદમી પાર્ટીના ખરાબ પ્રદર્શનના કારણે અરવિંદ કેજરીવાલ રડી પડ્યા હતા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘ઇન્ડિયાટીવી’ની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 27 ફેબ્રુઆરી 2026ના રોજ શેર કરવામાં આવ્યો હતો. ઉપલબ્ધ માહિતી અનુસાર, દિલ્હી દારૂ કૌભાંડમાં ક્લીનચીટ મળતાં અરવિંદ કેજરીવાલ ભાવુક થઈ ગયા અને બધાની સામે રડી પડ્યા.
અમારી તપાસ દરમિયાન, અમને નવભારત ટાઈમ્સ વેબસાઇટ પર આ દાવા સંબંધિત એક અહેવાલ મળ્યો. આ અહેવાલ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રકાશિત થયો હતો. અહેવાલ મુજબ, રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત 23 વ્યક્તિઓને નિર્દોષ જાહેર કર્યા હતા. દિલ્હી દારૂ કૌભાંડમાં ક્લીનચીટ મળ્યા પછી, AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પત્રકારો સાથે વાત કરતી વખતે રડી પડ્યા.

તેમજ વધુ સર્ચ કરતા અમને 27 ફેબ્રુઆરી, 2026ના રોજ સમાચાર એજન્સી ‘ANI’ ના સત્તાવાર X એકાઉન્ટ પર શેર કરાયેલ વાયરલ વીડિયો મળ્યો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો તાજેતરનો નથી, પરંતુ લગભગ બે મહિના જૂનો છે. દિલ્હી દારૂ કૌભાંડમાં ક્લીનચીટ મળ્યા બાદ કેજરીવાલ ભાવુક થઈ ગયા હતા અને બધાની સામે રડી પડ્યા હતા. આ જૂનો વીડિયો હવે ભ્રામક દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો.


