શું ખરેખર ઉત્તરપ્રદેશમાં મોદી સરકાર વિરુદ્ધમાં બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાનો વિરોધ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા નારેબાજી સાથે મોદી સરકારનો વિરોધ કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશનો નહીં પરંતુ મહારાષ્ટ્રનો છે જ્યાં પેટ્રોલ અને ડિઝલના ભાવવધારા મુદ્દે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા મોદી સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nilesh Rashmin Sutariya નામના ફેસબુક યુઝર દ્વારા 10 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હવે તો બજરંગ દળ વાળા ય મોદુ ને ઓળખી ગ્યાં સે મિત્રો . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા નારેબાજી સાથે મોદી સરકારનો વિરોધ કરવામાં આવ્યો.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને NEWS TODAY 24 AHMEDNAGAR નામના યુટ્યુબ યુઝર દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 6 ફેબ્રુઆરી, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પેટ્રોલ અને ડિઝલના ભાવવધારા મુદ્દે હિંગોલી ખાતે શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગર દ્વારા રસ્તા પર ‘મોદી સરકાર ચોર હૈ’ ની નારેબાજી કરવામાં આવી હતી તેનો આ વીડિયો છે.

આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Gor Culture News

પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની સામે એક બેનર લાગેલું જોવા મળે છે. આ બેનરમાં તમે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે, તેમના પુત્ર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પૌત્ર અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેના ફોટો સ્પષ્ટ જોઈ શકો છો.

image3.png

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગર નો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “ સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઈંધણના વધતા ભાવ સામે હિંગોલી ખાતે મોદી સરકાર વિરુદ્ધમાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો છે. આ રેલી 5 ફેબ્રુઆરી, 2021 ના રોજ યોજાઈ હતી. વીડિયોમાં તમે મને સૂત્રોચ્ચાર કરતા જોઈ શકો છો. હિંગોલીના ગાંધી ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. વીડિયોમાં જોવા મળતા લોકો શિવસેનાના કાર્યકરો છે, તેઓ બજરંગ દળના કાર્યકર્તા નથી.”

વધુમાં તમને જણાવી દઈએ કે, સંતોષ બાંગર હિંગોલીના કલમ્નુરીના ધારાસભ્ય છે.

સંતોષ બાંગર દ્વારા અમને 5 ફેબ્રુઆરીના રોજ મોદી સરકારના વિરોધમાં કરવામાં આવેલા પ્રદર્શનના કેટલાક અન્ય વીડિયો પણ મોકલ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશનો નહીં પરંતુ મહારાષ્ટ્રનો છે જ્યાં પેટ્રોલ અને ડિઝલના ભાવવધારા મુદ્દે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા મોદી સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Avatar

Title:શું ખરેખર ઉત્તરપ્રદેશમાં મોદી સરકાર વિરુદ્ધમાં બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…?

Fact Check By: Vikas Vyas 

Result: False