શું ખરેખર જર્મનીમાં ભારતના કિસાનોના સમર્થનમાં ટ્રેક્ટર રેલી નીકળી તેની ફોટો છે….? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

સોમવારથી સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોડની બંને તરફ મોટી સંખ્યામાં ટ્રેકટરો પડેલા જોવા મળે છે. તેમજ મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળે છે. અને  આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જર્મનીમાં ભારતીય કિસાનોના સમર્થનમાં નિકળેલી રેલીનો ફોટો છે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2019નો છે. હાલ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે તેને જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sanjay Kotadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જર્મનીમાં ભારતીય કિસાનોના સમર્થનમાં નિકળેલી રેલીનો ફોટો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને Indipent.ie નામની વેબસાઈટ પર પ્રસારિત વર્ષ 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો પણ જોવા મળે છે અને માહિતી આપવામાં આવી હતી કે, “જર્મન સરકારની કૃષિ યોજનાઓનો વિરોધ કરવા માટે 26 નવેમ્બર, 2019ના હજારો ખેડૂત બર્લિન પર તેમના ટ્રેક્ટર લઈ અને રસ્તા પર ઉતર્યા હતા, જેમનું કહેવું હતુ કે, તેમના જીવનનિર્વાહને જોખમ છે. જર્મનીના જુદા જુદા ભાગોમાંથી લગભગ 10,000 ખેડૂતો અને 5,000 ટ્રેકટરોએ બર્લિનના બ્રાંડનબર્ગ ગેટ પર પ્રયાણ કર્યું હતુ.

Independent.ie | Archive

તેમજ અન્ય જર્મન ન્યુઝ વેબસાઈટ The Local અને Farmers Weekly દ્વારા પણ આ વિરોધને લઈ વિશેષ અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ આ રેલીના અન્ય ફોટો અને વિડિયો જોઈ શકાય છે.

તેમજ એન્જેલા મર્કેલના ‘જંતુ સુરક્ષા’ ના મુસદ્દા કાયદા સામે સેંકડો ખેડૂતોએ ગયા અઠવાડિયે પણ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ દરમિયાન બ્રાન્ડેનબર્ગ ગેટ પાસે ટ્રેક્ટર કાફલા પણ જોવા મળ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2019નો છે. હાલ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે તેને જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર જર્મનીમાં ભારતના કિસાનોના સમર્થનમાં ટ્રેક્ટર રેલી નીકળી તેની ફોટો છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False