તાજેતરમાં રાજસ્થાનના જાલોર ખાતે છૈલસિંહ નામના શિક્ષકે કથિત રીતે માર માર્યા બાદ 9 વર્ષના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલનો વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર અંતિમયાત્રામાં ઉમટેલી ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાનના જાલોર ખાતે એક શિક્ષક દ્વારા ઈન્દ્ર મેઘવાલ નામના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો અને તેનું મોત થયું તેની અંતિમયાત્રાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2020 માં પુલવામા ખાતે શહીદ થયેલા ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લાના સૈનિક જીલાજીત યાદવની અંતિમયાત્રાનો છે. આ વીડિયોને વર્તમાનમાં રાજસ્થાનના જાલોર ખાતે દલિત વિદ્યાર્થી સાથે બનેલી ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dilip Kumar R Dharmani નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઝીંદગી ની સાચી રાહ બતાવાનાર એક શિક્ષક જ બન્યો ઘાતક, એક ગ્લાસ પાણી ના બદલે લીધો વિદ્ધાર્થી નો જીવ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાનના જાલોર ખાતે એક શિક્ષક દ્વારા ઈન્દ્ર મેઘવાલ નામના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો અને તેનું મોત થયું તેની અંતિમયાત્રાનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારે સર્ચ કરતાં અમને અક્કુ યાદવ નામના ફેસબુક યુઝર દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 26 ઓગષ્ટ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, જમ્મુ-કાશ્મીર ખાતે આતંકીઓ સાથે થયેલી મુઠભેડમાં જૌનપુરના વીર જીલાજીત યાદવ શહીદ થયા હતા તો તેમની અંતિમયાત્રામાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે.

આજ વીડિયો અન્ય કેટલાક યુટ્યુબ યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Youtube 1 | Youtube 2 | Youtube 3

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો હાલનો નહીં પરંતુ 2020 એટલે કે બે વર્ષ પહેલાંનો છે.

અમારી વધુ તપાસમાં અમને ABP Ganga દ્વારા વર્ષ 2020 માં પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા શહીદ જીલાજીતને જૌનપુરમાં ભીની આંખો સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન જોરશોરથી પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા. શહીદ તેની પાછળ 7 વર્ષનો નાનો લાલ છોડી ગયો. જીલાજીત 12 ઓગસ્ટના રોજ શહીદ થયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2020 માં પુલવામા ખાતે શહીદ થયેલા ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લાના સૈનિક જીલાજીત યાદવની અંતિમયાત્રાનો છે. આ વીડિયોને વર્તમાનમાં રાજસ્થાનના જાલોર ખાતે દલિત વિદ્યાર્થી સાથે બનેલી ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:રાજસ્થાનના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલની અંતિમયાત્રાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False