શું ખરેખર નરેન્દ્ર મોદીને કોરોના ટાસ્ક ફોર્સના લીડર તરીકે નીમવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Coronavirus False રાજકીય I Political

‎‎Porbandar Samachar1 નામના ફેસબુક પેજ દ્વારા 8 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, USA & UK અને બીજા 16 દેશો દ્વારા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી ને વર્લ્ડ ના કોરોના ટાસ્ક ફોર્સ ના લીડર તરીકે નીમવામાં આવ્યા… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીને અમેરિકા, ઈંગ્લેન્ડ અને બીજા 16 દેશો દ્વારા કોરોના ટાસ્ક ફોર્સના લીડર નીમવામાં આવ્યા. આ પોસ્ટને 363 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 11 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 134 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.06-20_59_12.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીને અમેરિકા, ઈંગ્લેન્ડ અને બીજા 16 દેશો દ્વારા કોરોના ટાસ્ક ફોર્સના લીડર નીમવામાં આવ્યા છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. વધુમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની વેબસાઈટ પર પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

જો ખરેખર આવી કોઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હોય અને નરેન્દ્ર મોદીને આ ટાસ્ક ફોર્સના લીડર તરીકે નીમવામાં આવ્યા હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત. પરંતુ અમારી તપાસમાં આ પ્રકારની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલો વીડિયો યુટ્યુબ પર WION નામની એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ દ્વારા 15 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ વીડિયોમાં ક્યાંય પણ એવું કહેવામાં આવ્યું નથી કે, કોરોના ટાસ્ક ફોર્સના લીડર તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી છે.

Archive

ઉપરોક્ત સમાચારમાં શું માહિતી આપવામાં આવી છે?

કોરોના સામેની લડતમાં ભારતનું પ્રદર્શન વિશ્વનું સર્વશ્રેષ્ઠ છે. છેલ્લા 48 કલાકમાં ભારતે આઠ દેશોના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. નરેન્દ્ર મોદી કોરોનાને દૂર કરવા માટે એક સાથે આવનારા દેશોના પ્રથમ નેતા બન્યા છે. સાર્ક દેશોએ વડા પ્રધાનના પ્રસ્તાવને આવકાર્યો હતો અને ભારત સાથે કામ કરવાની તૈયારી દર્શાવી હતી.

15 માર્ચે નરેન્દ્ર મોદીએ કોરોના દુર્ઘટનાને સ્વતંત્ર રીતે લડ્યા વિના સાર્ક દેશોને એક સાથે આવવા હાંકલ કરી હતી. શ્રીલંકા, માલદીવ, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વડાઓ અને પ્રતિનિધિઓએ સાર્ક દેશોના વડાઓની વચ્ચે વિશેષ વાટાઘાટોમાં ભાગ લીધો હતો. આ સમયે કોઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી ન હતી. નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોને ‘ઇમર્જન્સી ફંડ’ ઉભું કરવાની પણ દરખાસ્ત કરી હતી અને જાહેરાત કરી હતી કે, ભારત આ ભંડોળમાં એક કરોડ ડોલરનું યોગદાન આપશે.


માત્ર દક્ષિણ એશિયાના દેશો જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોએ પણ ભારતનો સંપર્ક કર્યો છે. આમાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરીસ જ્હોનસને મોદી સાથે ચર્ચા કરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગની ભૂમિકા પર ભાર મૂક્યો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ મોદીની પ્રશંસા કરી હતી.


ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને 12 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ વાતચીતની સત્તાવાર માહિતી ભારત અને ઇંગ્લેન્ડ સરકાર દ્વારા આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રાલયના પત્ર અને પ્રેસ નોટમાં ક્યાંય પણ ટાસ્ક ફોર્સની સ્થાપનાનો ઉલ્લેખ નથી.


વીડિયોમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનના ભાષણની ક્લિપ દર્શાવવામાં આવી છે. આમાં તેઓ કહે છે કે, G20 દેશોને સંકલનમાં લાવવા મોદીએ પહેલ કરી છે. મને લાગે છે કે, તે ખૂબ પ્રશંસનીય છે. ઓસ્ટ્રેલિયા આને સંપૂર્ણ સમર્થન કરશે. પરંતુ તે બધું આ વર્ષે સાઉદી અરેબિયાના રાજ્યના વડા G20 પર આધારીત છે. G20 ના નાણાપ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોને પણ મળવાની જરૂર છે.

image1.png


સ્કોટ મોરિસને 15 માર્ચે એક પત્રકાર પરિષદમાં આ નિવેદન આપ્યું હતું. જ્યારે એક પત્રકારે તેમને મોદીના પ્રસ્તાવ વિશે પૂછ્યું તો તેણે જવાબ આપ્યો. તેમણે ટાસ્ક ફોર્સ સ્થાપવા અંગે કશું કહ્યું નહીં. બાદમાં, સાઉદી અરેબિયાની અધ્યક્ષતામાં G20 દેશોની અનેક બેઠકો યોજાઇ હતી. આમાં કોઈ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું નથી.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના ટાસ્ક ફોર્સના લીડર નીમવામાં આવ્યા એ માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના ટાસ્ક ફોર્સના લીડર નીમવામાં આવ્યા એ માહિતી તદ્દન ખોટી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીને કોરોના ટાસ્ક ફોર્સના લીડર તરીકે નીમવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False