
Vishal Sabalpara નામના ફેસબુક પેજ દ્વારા 2 એપ્રિલ, 2020ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં લોકડાઉન દરમિયાન નડિયાદ ખાતે પોલીસ પર થયેલા હુમલાનો છે. આ પોસ્ટને 102 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 7 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 679 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો નડિયાદમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર થયેલા હુમલાનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે વીડિયોમાંથી એક સ્કિરીશોટ લઈને સર્ચ કરતાં અમને Sandesh News દ્વારા 20 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં CAA ને લઈને બબાલ થઈ હતી. જેમાં ત્યાંના સ્થાનિક લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તમે નીચેના સમાચારમાં જોઈ શકો છો.
આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. TV9 Gujarati| News18 Gujarati
આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ડિસેમ્બર, 2019 દરમિયાન CAA ના વિરોધમાં અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં બેકાબૂ ટોળા દ્વારા પોલીસ પર કરવામાં આવેલા પથ્થરમારાનો છે. તેને નડિયાદમાં પોલીસ પર થયેલા હુમલાના નામે ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ડિસેમ્બર, 2019 દરમિયાન CAA ના વિરોધમાં અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં બેકાબૂ ટોળા દ્વારા પોલીસ પર કરવામાં આવેલા પથ્થરમારાનો છે. તેને નડિયાદમાં પોલીસ પર થયેલા હુમલાના નામે લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:અમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો નડિયાદના નામે વાયરલ…જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
