Altered: PM મોદી જ્યારે તેમની માતાને મળ્યા ત્યારે જશોદાબેન પણ ત્યાં હાજર હતા…? જાણો શું છે સત્ય….
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. મૂળ ચિત્રમાં જશોદાબેનને એડિટ કરીને ઉમેરવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બરે તેમના માતા હીરાબેનને ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. PM મોદીએ 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન કરતા પહેલા તેમની માતાના આશીર્વાદ માંગ્યા હતા.
આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન મોદી અને તેમની માતા હીરાબેન મોદીની મુલાકાત દરમિયાન તેમની પત્ની જશોદાબેન સાથે હતા.”
ઘણા યુઝર્સે આ તસવીરને મજાક તરીકે શેર કરી અને ઘણા યુઝર્સે આ તસવીરને સાચી માનીને શેર કરી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
कल्पेश कथीरिया નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 December 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન મોદી અને તેમની માતા હીરાબેન મોદીની મુલાકાત દરમિયાન તેમની પત્ની જશોદાબેન સાથે હતા.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ANI દ્વારા ટ્વિટ કરાયેલી તસવીર મળી. આ ટ્વિટના કેપ્શનમાં લખ્યું છે કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબેન મોદીને ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને મળ્યા હતા." ANI દ્વારા પ્રકાશિત તસવીરોમાં નરેન્દ્ર મોદી અને તેમની માતા બેઠેલા જોઈ શકાય છે.
ત્યારબાદ અમને ઇન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત મૂળ ફોટો મળી જે તમે નીચે જોઈ શકો છો. આ તસવીર જોઈને આપણે સ્પષ્ટ થઈ શકીએ છીએ કે વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે અને જશોદાબેનની તસવીર ડિજિટલી ઉમેરવામાં આવી છે.
નીચે તમે વાયરલ તસવીર અને મૂળ તસવીર વચ્ચેની સરખામણી જોઈ શકો છો. મૂળ તસવીરમાં પીએમ મોદી અને તેમની માતા જોઈ શકાય છે.
વડાપ્રધાન મોદી અને તેમની માતાની આ મુલાકાતનો વીડિયો ANI દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.
જશોદાબેનની આ તસ્વીર વર્ષ 2017માં પત્રિકા દ્વારા પ્રકાશિત થયેલા લેખમાં અમને મળી હતી. આ તસવીર સાથે લખવામાં આવ્યું છે કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદા બેન શનિવારે અજમેરમાં તેમના એક પરિચિતના ઘરે પહોંચી હતી."
નીચે તમે વાયરલ તસવીર અને જશોદાબેનની તસવીર વચ્ચેની સરખામણી જોઈ શકો છો. જશોદાબેનનો 2017નો ફોટો પીએમ મોદીની તેમની માતા સાથેની મુલાકાતની તસવીર સાથે સુપર ઇમ્પોઝ કરવામાં આવ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી 4 ડિસેમ્બરે તેમની માતાને મળ્યા હતા, પરંતુ આ મુલાકાતમાં જશોદાબેનની તસવીર એડિટ કરીને ઉમેરવામાં આવી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Altered: PM મોદી જ્યારે તેમની માતાને મળ્યા ત્યારે જશોદાબેન પણ ત્યાં હાજર હતા…? જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: Satire