
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વેનેઝુએલા અને જાપાનમાં આવેલા ભૂકંપનો આ ફોટો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ જૂન 2026માં ફિલિપાઈન્સ ખાતે આવેલા ભૂકંપનો છે. આ ફોટોને તાજેતરમાં વેનેઝુએલા અને જાપાન ખાતે આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને ચાઈના ડેઈલી દ્વારા 14 જૂન, 2026ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ જેમાં વાયરલ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ફિલિપાઈન્સમાં આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 61 લોકોના મોત થયા હતા અને 40 લોકો લાપતા થયા હતા. તેમજ 1403 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ જ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. vietnam.vn | zeit.de
અમારી વધુ તપાસમાં અમને આ જ વાયરલ ફોટો અને માહિતી સાથેના વીડિયો સમાચાર ધ ડેઈલી ગાર્ડિયન દ્વારા પણ 16 જૂન, 2026ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વાયરલ ફોટો તાજેતરમાં વેનેઝુએલા અને જાપાનમાં આવેલા ભૂકંપનો નહીં પરંતુ ફિલિપાઈન્સ ખાતે આવેલા ભૂકંપનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ જૂન 2026માં ફિલિપાઈન્સ ખાતે આવેલા ભૂકંપનો છે. આ ફોટોને તાજેતરમાં વેનેઝુએલા અને જાપાન ખાતે આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


