શું ખરેખર ABP ન્યૂઝના સર્વે મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળે છે…? જાણો શું છે સત્ય…

Altered રાજકીય I Political

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે એબીપી ન્યૂઝ ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં પહેલા ચરણના મતદાનમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળી શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ એબીપી ન્યૂઝ ચેનલના લોગોનો દૂરપયોગ કરીને કોઈ ઠગબાજો દ્વારા આ પ્રકારે ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Yogesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 3 ડિસેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હવે વારો છે પરીવર્તન લાવવાનો મધ્ય ગુજરાત & ઉતર ગુજરાતનો… ઝાડુ એટલે કે સાવરણાને મત આપી અપાવી આ પરિવર્તનની લડાઇમાં સહભાગી બનીએ..!! આ લખાણમાં એ દાવા કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં પહેલા ચરણના મતદાનમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળી શકે છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર એબીપી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર મુજબ ગુજરાતમાં પહેલા ચરણના મતદાનમાં AAP ને 49 થી 54 સીટો મળે છે? એવા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા નહતા.

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં અમને એબીપી ન્યૂઝ દ્વારા 28 નવેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એબીપી ન્યૂઝના સી વોટર સર્વે મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 7 થી 15 સીટો મળતી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટોમાં દેખાઈ રહેલા દ્રશ્યો સાથેના સમાચાર એબીપી ન્યૂઝ દ્વારા 2 ડિસેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સમાચારના ધ્યાનથી જોતાં અમને આ 18.14 મિનિટ અને 18.20 મિનિટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો મુજબના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં ઉપર તેમજ નીચેનું લખાણ એકસમાન છે તેમજ વચ્ચેનું એડિટ કરેલું લખાણ જ જુદુ છે.

નીચે તમે એબીપી ન્યૂઝ ચેનલના બંને એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ પોસ્ટ અંગે એબીપી અસ્મિતાના ચેનલ હેડ રોનક પટેલ સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “અમારી ચેનલના લોગોનો દૂરપયોગ કરીને માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. અમારી ચેનલ દ્વારા આ પ્રકારની કોઈ જ માહિતી પ્રસારિત કરવામાં આવી નથી. હાલમાં અમારી ચેનલના લોગો અને બ્રેકિંગ પ્લેટમાં છેડછાડ કરીને આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ એબીપી ન્યૂઝ ચેનલના લોગોનો દૂરપયોગ કરીને કોઈ ઠગબાજો દ્વારા આ પ્રકારે ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર ABP ન્યૂઝના સર્વે મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળે છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Altered