
Mayur Prabhabahen Dayabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેરળ રાજ્યના મલ્લપુરમ જિલ્લાના કુટ્ટીપુરમ નગરમાં #CAA નો સપોર્ટ કરવા બદલ દલિત કોલોનીમાં મુસ્લિમો/ વામપંથીઓએ પાણી બંધ કરી દીધું.RSS ની ભગિની સંસ્થા “સેવા ભારતી” ને જાણ થતા પાણી પૂરું પાડ્યું.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 78 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેરળના મલપ્પુરમ જિલ્લાના કુટ્ટીપુરમ વિસ્તારના લોકોનું પાણી બંધ કરી દેવામાં આવ્યુ કારણ કે, તેઓએ CAAને સમર્થન કર્યુ હતુ.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “केरल राज्य के मल्लापुरम जिले के कुट्टीपुरम शहर में दलित कॉलोनी में मुसलमानों ने #CAA के समर्थन में पानी रोका।“ લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમે કેરળના ઉડુપ્પી-ચિકમંગલૂરૂની ભાજપની સાંસદ શોભા કરાંદલાજે દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “કેરળ ધીરે-ધીરે કશ્મીર બનવા જઈ રહ્યુ છે. મલપ્પુરમના કુટ્ટીપુરમ પંચાયતમાં નાગરિકતા સંશોધન કાયદા(CAA)નું સમર્થન કરતા હિંદુઓના ઘરે પાણી સપ્લાઈ રોકી દેવામાં આવ્યુ, સેવા ભારતી સંસ્થાએ તેમને હાલમાં પાણી પહોંચાડ્યુ છે.” જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી. જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, “આ ટ્વિટને લઈ ભાજપા સાંસદ શોભા સામે ફરિયાદ નોંધાઈ છે.”
ત્યારબાદ અમને નવભારત ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં મલપ્પુરમના એસપી અબ્દુલ કરીમનું નિવેદન પણ મુકવામાં આવ્યુ હતુ. જેમાં એસપી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “ભાજપા સાંસદ શોભા કરાંદલાજે સામે આઈપીસી 153એ, 120, 34 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેઓએ ખોટી અને નિરાધાર સુચના ફેલાવી બે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવાનું કામ કર્યુ છે, તે વિસ્તારમાં પાણીની જરૂરીઆત સીએએ પાસ થયુ તેના પણ પહેલાની છે.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, કેરળના મલપ્પુરમના કુટ્ટીપુરમ વિસ્તારના લોકોએ સીએએને સમર્થન કરતા પાણી બંધ કરી નાખ્યુ તે વાત તદ્દન ખોટી છે. જે અંગે ભાજપા સાંસદ શોભા સામે ફરિયાદ પણ નોંધાઈ છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, મલપ્પુરમના કુટ્ટીપુરમમાં પાણી બંધ કરી દેવામાં આવ્યુ તે ખોટી માહિતી ફેલાવવા બદલ ભાજપા સાંસદ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

Title:શું ખરેખર કેરળના મલ્લપુરમમાં CAAનો સપોર્ટ કરવા બદલ પાણી બંધ કરી દેવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
