વીડિયોમાં જોવા મળતી ઘટના છત્રપતિ સંભાજીનગરના ક્રાંતીચોકની છે. આ વીડિયો ગુજરાતનો કે મુંબઈનો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા એક વાહનચાલકને મારમારવામાં આવી રહ્યો છે. જેને અન્ય એક વાહનચાલક દ્વારા મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયોમાં જોવા મળતી ઘટના ગુજરાતની છે, ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકને માર મારવામાં આવ્યો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Subhash Sagathiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયોમાં જોવા મળતી ઘટના ગુજરાતની છે, ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકને માર મારવામાં આવ્યો.”

તેમજ આ વીડિયો સુરત ટ્રાફિક પોલીસના (Archive) નામે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
તેમજ ઘણા યુઝર દ્વારા આ વીડિયો મુંબઈનો (Archive) હોવાનું જણાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને મહારાષ્ટ્ર ટાઈમ્સ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો.
જે વીડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે કે ટ્રાફિક સિગ્નલ તોડવા બદલ એક યુવકને ટ્રાફિક પોલીસકર્મીએ બેરહેમીથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટના છત્રપતિ સંભાજીનગરના ક્રાંતિ ચોકમાં બની હતી.”
તેમજ અમે વધુ તપાસ કરતા અમને લોકમત દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપ ચવાણ અને પોલીસ કોન્સ્ટેબલ શાહ 20 તારીખ શનિવારના હાજર હતા, દરમિયાન બપોરે 3 વાગ્યા આસપાસ આ યુવાને રેડ સિગ્નલ તોડતા તેને રોકવામાં આવ્યો હતો. આ અંગે સિટી ટ્રાફિક બ્રાંચના પોલીસ ઇન્સપેક્ટર પ્રદિપ કઠાને દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ યુવાન દ્વારા દારૂ પીવામાં આવ્યો હતો પ્રાથમિક માહિતીમાં તેને રોકવામાં આવ્યો હતો ત્યારે તેને પુછપરછ કરવામાં આવી ત્યારે તે પોલીસ કોન્સ્ટેબલ પર ગુસ્સે થયો હતો અને દલિલ કરવા લાગ્યો હતો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો છત્રપતિ સંભાજીનગરના ક્રાંતિચોકનો છે. આ વીડિયો ગુજરાતના કોઈ શહેરનો, મુંબઈ, કે સુરતનો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ટ્રાફિક પોલીસના યુવકને મારમારતો આ વીડિયો ગુજરાત, સુરત, તેમજ મુંબઈનો નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
