શું ખરેખર આસામ પોલીસે અલગ રાષ્ટ્રની માંગણી માટે મુસ્લિમોને માર માર્યો હતો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં પોલીસ અધિકારીઓ દ્વારા અમુક લોકોને માર માર મારવામાં આવી રહ્યો છે. લોકોને ઘર માંથી બહાર પણ કાઢવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આસામમાં અલગ રાષ્ટ્રની માંગણી કરનાર મુસ્લિમો પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આસામનો નથી પરંતુ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાનો છે. એપ્રિલ 2020માં, રાષ્ટ્રીય લોકડાઉનના પ્રથમ તબક્કા દરમિયાન કોરોના પ્રતિબંધોને લઈને ગ્રામજનોએ કથિત રીતે પોલીસ પર હુમલો કર્યા બાદ પોલીસે કરેલા લાઠીચાર્જનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ramesh Premji Hirani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આસામમાં અલગ રાષ્ટ્રની માંગણી કરનાર મુસ્લિમો પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને બૈરલી કી આવાઝ નામની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે 6 એપ્રિલ 2020ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “પોલીસ એક ગામની નજીક પહોંચી, લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહેતા સ્થાનિકોએ તેમના પર હુમલો કર્યો અને આ ઘર્ષણમાં એક IPS અધિકારી ઘાયલ થયા હતા.”

તેમજ આ ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને પંજાબ કેસરીનો 7 એપ્રિલ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં આ વિડિયોનો સ્ક્રિનશોટ પણ શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “બરૈલી શહેરના ઇજ્જતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, લોકડાઉન દરમિયાન પોલીસકર્મીઓ પર હુમલો કરવા અને પોલીસ ચોકીને સળગાવવાનો પ્રયાસ કરવા બદલ 150 લોકો વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે, જેમાંથી 42 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ 42 લોકોમાંથી 39ને મંગળવારે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા, જ્યારે આમાંથી ત્રણ મહિલાઓને જામીન પર છોડવામાં આવી હતી. મંગળવારે સવારે પોલીસે પીએસીની સાથે ઇજ્જતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કરમપુર ચૌધરી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, પરંતુ શંકાસ્પદો ઘરોને તાળા મારીને ફરાર થઈ ગયા હતા.” 

Punjab Kesri | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ન્યુઝ18 દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “200થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યા પછી પોલીસને સ્વ-બચાવમાં લોકો પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આસામનો નથી પરંતુ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાનો છે. એપ્રિલ 2020માં, રાષ્ટ્રીય લોકડાઉનના પ્રથમ તબક્કા દરમિયાન કોરોના પ્રતિબંધોને લઈને ગ્રામજનોએ કથિત રીતે પોલીસ પર હુમલો કર્યા બાદ પોલીસે કરેલા લાઠીચાર્જનો છે.

Avatar

Title:શું ખરેખર આસામ પોલીસે અલગ રાષ્ટ્રની માંગણી માટે મુસ્લિમોને માર માર્યો હતો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False