
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે. તેમ-તેમ સોશિયલ મિડિયામાં પણ તમામ પક્ષો દ્વારા અન્ય પક્ષો ને લઈ સાચી-ખોટી પોસ્ટ કરવામાં આવી રહી છે. હાલમાં એક વિડિયો અરવિંદ કેજરીવાલનો વાયરલ કરવામાં આવી રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા તેમનો વિરોધ કરનાર ગુજરાતના લોકોને ઘમકી આપવામાં આવી રહી છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે અરવિંદ કેજરીવાલનો વાયરલ વિડિયો શોધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને આમ આદમી પાર્ટીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે 18 ઓક્ટોબર 2016ના અપલોડ કરવામાં આવ્યો હતો.
જેમાં અરવિંદ કેજરીવાલનુ ઓરિજનલ ભાષણ છે. જેમાં તેઓ અમિત શાહ પર પ્રહાર કર્યા હતા અને ભાષણમાં 14.05 મિનિટ થી 15 મિનિટ સુધીના ભાષણમાં તેઓ જણાવી રહ્યા છે કે, “છેલ્લા ઘણા સમયથી એક વ્યક્તિ ગુજરાતને ચલાવી રહ્યો છે. જેનું નામ અમિત શાહ છે અને અમિત શાહની સમગ્ર ગુજરાતને ચેતવણી છે કે, હું તો ગુજરાતને આજ રીતે ચલાવીશ. જો મારો વિરોધ કરશો તો હું તમને કચડી નાંખીશ. ગુજરાતવાસીઓ મારૂ તમે જે બગાડી શકતા હોવ એ બગાડી લો.”
તેમજ વધુ સર્ચ કરતા અમને મેંગો ન્યુઝ નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અરવિંદ કેજરીવાલનો ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયો 19 ઓક્ટોબર 2016ના અપલોડ કરવામાં આવ્યો હતો.
જેમાં માહિતી આપવામાં આવી હતી કે, સુરતમાં વર્ષ 2016માં અરવિંદ કેજરીવાલની રેલી યોજાઈ હતી તે ભાષણનો આ વિડિયો છે.
ઓરિજનલ વિડિયો અને વાયરલ વિડિયો વચ્ચેની તુલના પણ તમે નીચે જોઈ શકો છો. જે જોયા બાદ તમને ખ્યાલ આવશે ગુજરાતના લોકોને ધમકી આપતા અરવિંદ કેજરીવાલના વિડિયોનું શુ છે સત્યતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે,પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અધુરો છે. અરવિંદ કેજરીવાલ દ્વારા આ ભાષણનો વિડિયો અમિત શાહના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યો હતો. ગુજરાતની જનતાને કેજરીવાલ ધમકી આપતા હોવાની વાત તદ્દન ખોટી છે.


