
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા પકડવામાં આવેલા કેટલાક લોકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અલ્હાબાદ વિશ્વવિદ્યાલય ખાતે બોંબ બનાવતાં પકડવામાં આવેલા 25 વિદ્યાર્થીઓનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા લોકોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ મધ્યપ્રદેશ ખાતે દેહવ્યાપારની ઘટનામાં પકડાયેલા આરોપીઓનો છે. આ ફોટોને અલ્હાબાદ વિશ્વવિદ્યાલય સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hiren Sida નામના ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જ્યારે દેશનાં પ્રધાનમંત્રી શીખ અને રાષ્ટ્રપતિ મુસ્લિમ હતા ત્યારે હિન્દુ ખતરામા ન હતાં.. આજ તો ભારત ના દરેક રાજ્ય નાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ હિન્દુ છે, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, ત્રણેય સેનાઓ નાં અધ્યક્ષ હિન્દુઓ છે.. તો પણ હિન્દુ ખતરામા છે… દેશ નાં ભાવિ પેઢી કઈ બાજુ મોકલવી a નક્કી કરી લો. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અલ્હાબાદ વિશ્વવિદ્યાલય ખાતે બોંબ બનાવતાં પકડવામાં આવેલા 25 વિદ્યાર્થીઓનો આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર mandsaursandeshnewspaper.com દ્વારા 15 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં પોલીસ દ્વારા દેહવ્યાપારના આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. patrika.com
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને S.P. Ratlam દ્વારા 16 જુલાઈ, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ એજ માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના એક ડેરામાં પોલીસની રેડ દરમિયાન દેહવ્યાપારની પ્રવૃત્તિમાં પોલીસે 9 યુવતીઓ સહિત કુલ 15 લોકોને ઝડપી લીધા હતા.
હવે એ પણ જાણવું જરુરી હતું કે, અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી પકડાઈ હતી કે કેમ?
અમારી વધુ તપાસમાં અમને hindi.news18.com દ્વારા 17 એપ્રિલ,2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના હોસ્ટેલમાં પોલીસ દ્વારા છાપેમારી કરતાં બોમ્બ બનાવવાનો સામાન પકડાતાં પોલીસ દ્વારા 58 રુમોને સીલ લગાવવામાં આવ્યું હતું.

આજ સમાચારને અન્ય કેટલાક મીડિયા માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. aajtak.in | zeenews.india.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા લોકોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ મધ્યપ્રદેશ ખાતે દેહવ્યાપારની ઘટનામાં પકડાયેલા આરોપીઓનો છે. આ ફોટોને અલ્હાબાદ વિશ્વવિદ્યાલય સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર અલ્હાબાદ વિશ્વવિદ્યાલય ખાતે બોંબ બનાવતાં પકડાયેલા વિદ્યાર્થીઓનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Misleading
