વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સને લગતી માહિતી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો હોવાની કોઈ જ બાબત નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કહેવામાં આવી નથી તેમજ સરકાર દ્વારા પણ આ માહિતી ભ્રામક અને ખોટી હોવાનુ જણાવવામાં આવ્યું છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ahir Dipak Hadiya નામના ફેસબુક પેજ દ્વારા 24 જાન્યુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, કોર્પોરેટ ટેક્સ 18 થી ઘટાડી 15% અને આમ જનતાનો આવકવેરા ટેક્સ યથાવત્….
નોંધ:- હુ કોઈ અર્થશાસ્ત્રી નથી એમ કંઠીધારી ભૂંડભગતય નથી…!!! પણ એટલી કોમનસેન્સ તો છેજ કે આ બજેટ કોના તરફ બેવડીનુ વળી ગયુ…. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને શોધવા માટે અમે નાણાં મંત્રાલયની વેબસાઈટ પર જોતાં અમને વર્ષ 2022-23 માટે રજૂ કરવામાં આવેલા બજેટની કોપી પ્રાપ્ત થઈ હતી. જેને ધ્યાનથી જોતાં અમને ક્યાંય પણ કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. જ્યારે અમારી વધુ તપાસમાં અમને આ બજેટના 22 નંબરના પેજ પર કોર્પોરેટ સોસાયટી માટે જે ટેક્સ નક્કી કરવામાં આવ્યો તેની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સહકારી મંડળીઓ 18.5 ટકાના દરે ટેક્સની ચૂકવણી કરે છે. જો કે, કંપનીઓ તે 15 ટકાના દરે ચૂકવે છે. સહકારી મંડળીઓ અને કંપનીઓ વચ્ચે સમાન તકો પૂરી પાડવા માટે સહકારી મંડળીઓ માટે પણ આ દર ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

અમારી વધુ તપાસમાં અમને ભારતીય જનાતા પાર્ટી દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સંપૂર્ણ બજેટનો વીડિયો 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ વીડિયોમાં પણ ક્યાંય કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો હોય એવી કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ નહતી. પરંતુ આ વીડિયોમાં તમે 1.08.30 મિનિટે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સહકારી મંડળીઓ 18.5 ટકાના દરે ટેક્સની ચૂકવણી કરે છે. જો કે, કંપનીઓ તે 15 ટકાના દરે ચૂકવે છે. સહકારી મંડળીઓ અને કંપનીઓ વચ્ચે સમાન તકો પૂરી પાડવા માટે સહકારી મંડળીઓ માટે પણ આ દર ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે એવું તમે સાંભળી શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા પણ 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતી ખોટી અને ભ્રામક હોવાનું જણાવવામાં આવ્યું છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો હોવાની કોઈ જ બાબત નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કહેવામાં આવી નથી તેમજ સરકાર દ્વારા પણ આ માહિતી ભ્રામક અને ખોટી હોવાનુ જણાવવામાં આવ્યું છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

Avatar

Title:વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો હોવાની ભ્રામક માહિતી વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading