એક ભારતીય યુવકે ગૂગલ હેક કરીને 3.6 કરોડ નોકરી મેળવી હોવાના સમાચાર ખોટા છે…જાણો શું છે સત્ય...
હાલમાં એક બિહારનો એક યુવક ખુબ ચર્ચામાં છે, આ યુવાનેનું નામ ગૂગલ સાથે જોડવામાં આવી રહ્યુ છે. આ મેસેજ ને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઋતુરાજ નામના યુવકને 51 સેકન્ડ માટે ગૂગલ હેક કરીને 3.66 કરોડ રૂપિયાના પેકેજની નોકરી મેળવી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, માહિતીની ચકાસણી કર્યા પછી ફેક્ટ ક્રેસેન્ડોએ તારણ કાઢ્યું કે ઉપરોક્ત દાવો ખોટો અને પાયા વિહોણો છે. ઋતુરાજ ચૌધરીએ ગૂગલને હેક કર્યું ન હતું, બગ મળ્યો હતો અને તેને કોઈ પેકેજ ઓફર કરવામાં આવ્યું નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Lalitbhai Rabara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, “બિહારનો ઋતુરાજ ચૌધરી હાલ આઇ.આઇ.ટી. મણીપુરમાં S.Y માં અભ્યાસ કરે છે. તેણે 53 સેકન્ટ માટે google ને હેક કર્યું . આખી દુનિયામાં બેઠેલા Googleના અધિકારીઓ અને એન્જિનિયર ગોથે ચડી ગયા પણ રીકવર ન થયું .હેક થવાનું કારણ ન મળ્યું. ઋતુરાજે એને પુનઃ ચાલુ કરીને ગૂગલ કંપની ને મેઈલ કર્યો કે તમારા સોફ્ટવેરમાં રહેલી આ કમી ને કારણે હું એને હેક કરી શક્યો. અધિકારીઓ એ મુજબ ચેકીંગ કર્યું તો એમને સોફ્ટવેરની મોટી ભૂલ પકડાઈ. અમેરિકામાં તાત્કાલિક મીટીંગ મળી જે 12 કલાક સુધી ચાલી અને ઈ મેઈલ દ્વારા ઋતુરાજની કાબેલિયત ને સલામ કરી Google માં કામ કરવાની ઓફર કરી. અને 3.66 કરોડ પગાર સાથે નિમણૂક લેટર પણ આપી દિધો.અધિકારીઓ તેને લેવા ભારત આવશે એમ જણાવ્યું .પરંતુ ઋતુરાજ પાસે પાસપોર્ટ પણ ન હતો. અમેરિકા એ ભારત સરકાર સાથે વાત કરી ને ઇમરજન્સી માત્ર બે પાસપોર્ટ તૈયાર થઈ ને ઘરે પહોંચાડ્યો. આજે પ્રાઇવેટ જેટ વિમાન થી ઋતુરાજ અમેરિકા જશે . ”
આ પોસ્ટ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઋતુરાજ નામના યુવકને 51 સેકન્ડ માટે ગૂગલ હેક કરીને 3.66 કરોડ રૂપિયાના પેકેજની નોકરી મેળવી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 3 ફેબ્રુઆરી, 2022ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “બિહારના બેગુસરાઈના એક યુવકે દાવો કર્યો હતો કે તેણે ગૂગલમાં એક "બગ" કાઢ્યો. ઋતુરાજે કહ્યું કે તેને ગૂગલમાં એક ભૂલ મળી હતી જેની જાણ વેબસાઈટ bughunter.google.com દ્વારા ગૂગલને કરવામાં આવી હતી. ગૂગલે એક મેઇલ દ્વારા તેની ઓળખનો સ્વીકાર કર્યો છે.”
આ જ સમાચાર 'ભાસ્કર' ના અહેવાલ પરથી જાણવા મળે છે. ઋતુરાજની આ સિદ્ધિને કારણે ગૂગલે તેને 3 કરોડ 6 લાખ રૂપિયાનું પેકેજ ઓફર કર્યું હોવાનું ક્યાંય જણાવવામાં આવ્યુ ન હતુ.
ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઋતુરાજ નામના યુવકે ઝી ન્યુઝને ઈન્ટરવ્યુ આપ્યો હતો. 2 ફેબ્રુઆરી, 2022 ના રોજ શેર કરાયેલા એક ઇન્ટરવ્યુમાં, ઋતુરાજે કહ્યું, "મને ગૂગલમાં એક બગ મળ્યો જેની મેં ગૂગલ સત્તાવાળાઓને જાણ કરી. ગૂગલએ બગને મેલમાં માન્ય બગ તરીકે ઓળખી કાઢ્યો છે."
ગૂગલે ઋતુરાજને હોલ ઓફ ફેમ એવોર્ડ એનાયત કર્યો અને તેને ગૂગલ રિસર્ચ ટીમના સભ્ય તરીકે ઓળખાવ્યો.
'ધ લલન્ટોપ' સાથેની એક મુલાકાતમાં, તેમણે રૂ.3.6 કરોડના પેકેજની તેમની માંગને નકારી કાઢી.
તેમને પૂછવામાં આવ્યું - શું તમને ગૂગલ તરફથી 3.6 કરોડના પેકેજ સાથે કોઈ નોકરીની ઓફર કરવામાં આવી છે.
ઋતુરાજ - ના, મને ગૂગલ દ્વારા કોઈ નોકરીની ઓફર કરવામાં આવી નથી.
ઋતુરાજ ચૌધરીની LinkedIn પ્રોફાઇલમાં ગૂગલ દ્વારા મોકલવામાં આવેલા મેઇલનો સ્ક્રીનશોટ છે.
ઉપરાંત, ઋતુરાજે LinkedIn પ્રોફાઇલમાંથી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "મે ગૂગલ ને હેક કર્યું નથી અને મને તેમના તરફથી કોઈ નોકરીની ઓફર કરવામાં આવી નથી. મેં હમણાં જ એક બગ જોયો અને ગૂગલને તેની જાણ કરી. હું બીટેકના બીજા વર્ષનો વિદ્યાર્થી છું. એ બધા સમાચાર ખોટા છે."
ફેક્ટ ક્રેસન્ડોએ LinkedIn પર ઋતુરાજનો સંપર્ક કર્યો હતો. ત્યાં તેમણે અમને એ જ વાત કહી, “સોશિયલ મિડિયાના દાવા ખોટા છે. ગૂગલે મને 3.6 કરોડ રૂપિયાનું કોઈ પેકેજ ઓફર કર્યું નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, માહિતીની ચકાસણી કર્યા પછી ફેક્ટ ક્રેસેન્ડોએ તારણ કાઢ્યું કે ઉપરોક્ત દાવો ખોટો અને પાયા વિહોણો છે. ઋતુરાજ ચૌધરીએ ગૂગલને હેક કર્યું ન હતું, બગ મળ્યો હતો અને તેને કોઈ પેકેજ ઓફર કરવામાં આવ્યું નથી.
Title:એક ભારતીય યુવકે ગૂગલ હેક કરીને 3.6 કરોડ નોકરી મેળવી હોવાના સમાચાર ખોટા છે…જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False