
તાજેતરમાં સોશિયલ મીડિયા એક માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, NEET ની પરીક્ષાના પરિણામમાં પ્રથમ પાંચ યુવાનો મુસ્લિમ સમુદાયના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, NEET ની પરીક્ષાના પરિણામમાં પ્રથમ પાંચ યુવાનો મુસ્લિમ નથી જે NEET ની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાય છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ભારતીય ટ્રાયબલ પાર્ટી ભરૂચ નામના ફેસબુક પેજ દ્વારા 17 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, NEET ની પરીક્ષાના પરિણામમાં પ્રથમ પાંચ યુવાનો મુસ્લિમ સમુદાયના છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ફેસબુક પર એક યુઝર દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં NEET ની પરીક્ષાના પરિણામમાં ટોપ પાંચ મુસ્લિમ યુવાનોના નામની યાદી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
હવે NEET પરીક્ષાના પરિણામની ઉપરોક્ત યાદી સાચી છે કે ખોટી એ પણ જાણવું જરૂરી હોવાથી અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ભાસ્કર દ્વારા 16 ઓક્ટોમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં NEET ની પરીક્ષાના પરિણામમાં પ્રથમ નંબર પર શોએબ આફ્તાબ નામનો યુવક આવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. પરંતુ આ સાથે એ પણ માહિતી આપવામાં આવી હતી કે, આકાંક્ષા સિંહ નામની એક વિદ્યાર્થીનીએ પણ NEET ની પરીક્ષામાં 720 માંથી 720 ગુણ મેળવ્યા હતા. પરંતુ તેને બીજો નંબર પ્રાપ્ત થયો હતો એનું કારણ એજ હતું કે, આકાંક્ષા સિંહની ઉંમર ઓછી હોવાના કારણે તેને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ટાઈ-બ્રેકિંગ નીતિ (સમાન અંક મળવા પર ઉંમરના આધારે રેન્ક નક્કી કરવો) અંતર્ગત ઓછી ઉંમર હોવાના કારણે તેને બીજો નંબર આપવામાં આવ્યો હતો.
અમારી વધુ તપાસમાં અમને NEET ની સત્તાવાર વેબસાઈટ પર પરીક્ષાનું રિઝલ્ટ પ્રાપ્ત થયું હતું. જેને ધ્યાનથી જોતાં ફક્ત પ્રથમ નંબર પર શોએબ આફ્તાબ નામના યુવકનું નામ સાચું છે. જ્યારે અન્ય 4 મુસ્લિમ હોવાનું ક્યાંય સાબિત થતું નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ NEET ની પરીક્ષાના પરિણામમાં ટોપ 5 યુવાનો મુસ્લિમ હોવાનું ક્યાંય પણ સાબિત થતું નથી કારણ કે NEET ની સત્તાવાર વેબસાઈટ પર ટોપ 5 ઉમેદવારોમાંથી ફક્ત એક જ મુસ્લિમ યુવાન છે.

Title:શું ખરેખર NEET ની પરીક્ષાના પરિણામમાં પ્રથમ પાંય યુવાન મુસ્લિમ સમુદાયના છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
