નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો સ્ક્રિપ્ટેડ વીડિયો બિહારની વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાએ ભૂલથી વરમાળા વહુની બાજુમાં ઉભેલી યુવતીને પહેરાવી દેતાં તે યુવતી દ્વારા વરરાજાની ધુલાઈ કરવામાં આવી હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
કાકા ચાલે વાંકા નામના ફેસબુક યુઝર દ્વારા 25 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બિહાર માં શરાબ પ્રતિબંધ છે . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાએ ભૂલથી વરમાળા વહુની બાજુમાં ઉભેલી યુવતીને પહેરાવી દેતાં તે યુવતી દ્વારા વરરાજાની ધુલાઈ કરવામાં આવી હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 17 મે, 2022 ના રોજ Maithili Bazar નામના યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં વીડિયોમાં અભિનય કરનારા કલાકારોના નામ લખેલા છે. જેના પરથી અમે આજ ચેનલ પર સર્ચ કરતાં અમને આજ કલાકારોના અન્ય વીડિયો પણ પ્રાપ્ત થયા હતા. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે.
અમારી વધુ તપાસમાં અમને Maithili Bazar ની યુટ્યુબ ચેનલના અબાઉટ સેક્શનમાં એ જાણવા મળ્યું હતું કે, આ ચેનલ 3 જૂન, 2017 ના રોજ શરુ કરવામાં આવી હતી. વધુમાં એ પણ લખવામાં આવ્યું હતું કે, આ એક મૈથિલી ભાષાની લોકપ્રિય ચેનલ છે જ્યાં મૈથિલી ભાષાના મનોરંજનવાળા કોમેડી વીડિયો બનાવીને મૂકવામાં આવે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો સ્ક્રિપ્ટેડ વીડિયો બિહારની વાસ્તવિક ઘટનાના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
Written By: Vikas VyasResult: False