
ચાના બગીચામાં એક હાથી જેસીબી મશીન સાથે અથડાતો જોવા મળતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો માને છે કે હાથી વૃક્ષોને કાપવાથી બચાવવા માટે આ રીતે વર્તી રહ્યો હતો. હાથીની પ્રશંસા કરતા લોકો કહી રહ્યા છે કે માનવીએ તેમની પાસેથી વન સંરક્ષણની ભાવના શીખવી જોઈએ. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જંગલને બચાવવા માટે હાથી જેસીબી સામે લડી રહ્યો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 1 ઓક્ટોબર, 2025ના રોજ અસમના ભાજપના ધારાસભ્ય મૃણાલ સૈકિયા દ્વારા લખાયેલ ‘X’ પોસ્ટ મળી, જેમાં વાયરલ થયેલા વીડિયો જેવો જ વીડિયો દેખાય છે. તે સમયે, તેમણે પોસ્ટમાં નોંધ્યું હતું કે આ રીતે JCBનો ઉપયોગ કરવાથી હાથીને ઇજા થઈ શકે છે.
તેમજ વધારે સર્ચ કરતા અમને આ વીડિયોનું લાંબુ વર્ઝન યુટ્યુબ પર પ્રાપ્ત થયુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “JCB ની મદદથી હાથીને બચાવવાની કામગીરી | માતા હાથી વિરૂદ્ધ JCB”
આ વીડિયો જોવાથી આખી વાર્તા ખુલી જાય છે. શરૂઆતમાં, એક હાથીનું બચ્ચું ખાડામાં પડેલું દેખાય છે, અને એક માદા હાથી – કદાચ તેની માતા – નજીકમાં ઉભી હોય છે. પછી એક JCB મશીન ખાડા તરફ આગળ વધવાનું શરૂ કરે છે, જેના કારણે માદા હાથી ઉશ્કેરાઈ જાય છે. થોડે દૂર બંદૂક ધરાવતો એક વ્યક્તિ દેખાય છે. લોકો વિવિધ અવાજો કરીને માદા હાથીને ખાડામાંથી દૂર ભગાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે હટવાનો ઇનકાર કરે છે; તેના બદલે, તે પોતાની સૂંઢ વડે JCBની ટ્રોલીને ધક્કો મારવાનો પ્રયાસ કરે છે. તે સ્પષ્ટ છે કે તેણીને ચિંતા છે કે JCB તેના બચ્ચાને નુકસાન પહોંચાડી શકે છે. વીડિયોના અંતમાં, માદા હાથી અને તેનું બચ્ચુ દૂર જતા જોવા મળે છે.
વીડિયોમાં એક મહિલાના ટી-શર્ટની પાછળ ‘કાઝીરંગા’ શબ્દ દેખાય છે, જે સૂચવે છે કે આ સ્થાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની નજીક હોઈ શકે છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો ખરેખર આસામનો છે, પરંતુ તે હાથીના બચ્ચાને બચાવવા માટે કરવામાં આવેલા બચાવ રેસક્યુનો છે. તેને એક બનાવટી વાર્તા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે, હાથી વન સંરક્ષણનો વિરોધ કરી રહ્યો હતો.


