લોકોને ધમકાવનાર શખ્સને ઘાયલ કરનાર પોલીસનો આ વીડિયો ઉત્તર પ્રદેશનો નહીં પરંતુ કર્ણાટકાનો છે… જાણો શું છે સત્ય….
કાલાબુરાગી પોલીસે સ્પષ્ટતા કરી કે આ ઘટના કર્ણાટકના કાલાબુરાગીની છે. વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ 28 વર્ષીય મોહમ્મદ ફૈઝલ છે, અબ્દુલ નથી.
હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ ભીડવાળા બજારમાં પોલીસકર્મીઓને છરી બતાવીને ધમકાવતો જોવા મળે છે. દરમિયાન એક પોલીસકર્મી વ્યક્તિના પગ તરફ એક પછી એક ગોળીબાર કરે છે. તે વ્યક્તિ ત્યાં પડી જાય છે અને પોલીસવાળા તેને લાકડીઓથી મારવા લાગે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અબ્દુલ નામનો વ્યક્તિ ઉત્તર પ્રદેશના માર્કેટમાં લોકોને ધમકાવી રહ્યો હતો, ત્યારબાદ યોગી આદિત્યનાથની પોલીસે તેને માર માર્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
युवराज सोलंकी हिन्दु નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અબ્દુલ નામનો વ્યક્તિ ઉત્તર પ્રદેશના માર્કેટમાં લોકોને ધમકાવી રહ્યો હતો, ત્યારબાદ યોગી આદિત્યનાથની પોલીસે તેને માર માર્યો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ધ ન્યુઝ મિનિટ ન્યુઝ ચેનલના ઓફિશિયલ ટ્વિટર પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયો કર્ણાટકના કલબુર્ગીનો છે. આ કાર્યવાહી કર્ણાટકા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આ મામલો 5 ફેબ્રુઆરી 2023નો છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને રિપબ્લિક વર્લ્ડની યુટ્યુબ ચેનલ પર આ વીડિયો જોવા મળ્યો હતો. બે અઠવાડિયા પહેલા પ્રસારિત આ સમાચાર મુજબ વાયરલ વીડિયો કર્ણાટકના કાલાબુરાગીનો છે.
વધુ તપાસમાં વાયરલ વીડિયોના સમાચાર અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરતા દૈનિક ભાસ્કરનો અહેવાલ મળ્યો હતો. પ્રકાશિત સમાચાર અનુસાર, ઘટના કર્ણાટકના કાલાબુરાગીની છે. 5 ફેબ્રુઆરીની સાંજે ફઝલ ભગવાન નામનો આરોપી જાહેરમાં લોકોને ધારદાર હથિયાર વડે હુમલો કરવાની ધમકી આપી રહ્યો હતો. આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે તેના પર ગોળીબાર કર્યો હતો. ઘાયલ ફઝલને પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને પછી તેની ધરપકડ કરવામાં આવી.
આ સિવાય આ સમાચાર અહીં, અહીં અને અહીં વાંચી શકાય છે. જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ ઘટના કર્ણાટકની છે. બીજી તરફ, ટીવી 9 હિન્દીમાં પ્રકાશિત અહેવાલ મુજબ, કેસ વિશે માહિતી આપતા, એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આરોપી દ્વારા હુમલો કરવા પાછળનો હેતુ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે કંટ્રોલ રૂમમાંથી કોલ આવ્યો હતો અને અમને જાણ કરવામાં આવી હતી કે એક વ્યક્તિ સામાન્ય લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેનાથી બચવા તેણે પોલીસની મદદ લીધી છે. અધિકારીએ કહ્યું કે આરોપીઓ વિરૂદ્ધ હત્યાના પ્રયાસ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વધુ માહિતી માટે, અમે કાલાબુરાગી ટાઉન પોલીસના સચિન ચલવેદીનો સંપર્ક કર્યો, જેમણે સ્પષ્ટતા કરી કે, આ ઘટના કર્ણાટકના કલાબુર્ગીની છે. 5 ફેબ્રુઆરીએ એક વ્યક્તિ રસ્તામાં લોકોને છરી બતાવીને ધમકાવી રહ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી ચાલી રહી છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વ્યક્તિનું નામ અબ્દુલ નથી, પરંતુ 28 વર્ષીય મોહમ્મદ ફૈઝલ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશનો નથી પરંતુ કર્ણાટકના કાલાબુરાગી શહેરમાં બનેલી ઘટનાનો છે. તેમજ વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ મોહમ્મદ ફૈઝલ છે, અબ્દુલ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:લોકોને ધમકાવનાર શખ્સને ઘાયલ કરનાર પોલીસનો આ વીડિયો ઉત્તર પ્રદેશનો નહીં પરંતુ કર્ણાટકાનો છે... જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False