વર્ષ 2017 માં થયેલા EVM વિવાદનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, EVM મશીનમાં ગડબડી કરવા બદલ ચૂંટણી પંચ દ્વારા 19 ઓફિસરોને હટાવવામાં આવ્યા. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયોમાં કરવામાં આવેલો દાવો તો સાચો હોવાનું સાબિત થાય છે પરંતુ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017માં મધ્યપ્રદેશના ભિંડ ખાતે થયેલા EVM વિવાદનો છે. આ વીડિયોને વર્તમાનમાં મધ્યપ્રદેશમાં થયેલી ચૂંટણીની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Karashanbhai Vadadoriya નામના ફેસબુક યુઝર દ્વારા 22 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હવે બીજેપી નો પાપ નો ઘડો ફૂટવાની ત્યારી સત્ય ને પરેશાન કરી શકાય છે પરંતુ પરાજિત નહી…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, EVM મશીનમાં ગડબડી કરવા બદલ ચૂંટણી પંચ દ્વારા 19 ઓફિસરોને હટાવવામાં આવ્યા.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ABP NEWS દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 1 એપ્રિલ, 2017 ના રોજ અપલોડ કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના ભિંડ ખાતે થયેલા EVM વિવાદમાં એસપી અને કલેક્ટર સહિત કુલ 19 ઓફિસરોને ચૂંટણી પંચ દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયોને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Archive

આજ માહિતી સાથેના અન્ય વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ડીડી ન્યૂઝ | નવભારત ટાઈમ્સ

શું હતો સમગ્ર વિવાદ?

અમારી વધુ તપાસમાં અમને પત્રિકા દ્વારા 11 એપ્રિલ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના ભિંડની અટેર સીટ પરની પેટાચૂંટણીમાં 31 માર્ચ, 2017 ના રોજ મીડિયાની સામે VVPAT મશીનનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે વારંવાર ભાજપના ચૂંટણી ચિહ્નની જ પરચી નીકળતી હોવાથી આ મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. જેની તપાસ માટે આયોગ દ્વારા અધિકારીઓની ટીમ પણ મોકલવામાં આવી હતી. જેમાં જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર ઇલૈયા રાજા ટીને આ ઘટના માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ વિવાદમાં એસપી અને કલેક્ટર સહિત કુલ 19 ઓફિસરોને ચૂંટણી પંચ દ્વારા હટાવવામાં આવ્યા હતા. તેના એક વર્ષ બાદ કલેક્ટર વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.

screenshot-www.patrika.com-2020.11.27-20_06_23.png

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ અધૂરી માહિતી સાથે વાયરલ કરવામાં આવી હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017માં મધ્યપ્રદેશના ભિંડ ખાતે થયેલા EVM વિવાદનો છે. આ વીડિયોને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:વર્ષ 2017 માં થયેલા EVM વિવાદનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context