તાજેતરમાં સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શિવરાજસિંહ ચૌહાણ એવું બોલી રહ્યા છે કે, “અમારા ગુરુજીના માથા પર અમે પગ રાખતા હતા.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શિવરાજસિંહ ચૌહાણનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. આ વીડિયોમાં શિવરાજસિંહ ચૌહાણ તેમની ભૂલ બાદ એવું કહી રહ્યા છે કે, “અમારા ગુરુજીના આશીર્વાદ લેવા માટે અમે હંમેશા અમારું મસ્તક તેમના ચરણોમાં રાખતા હતા.” જો કે આ પહેલાં તેઓની બોલવામાં ભૂલ થઈ હતી અને તરત જ તેઓએ એ ભૂલને સુધારી પણ દીધી હતી. કોમ્પ્યુટરની મદદથી આ વીડિયોમાંથી પાછળનો સુધારેલો ભાગ કટ કરીને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mitesh Solanki નામના ફેસબુક પેજ દ્વારા 06 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પાંચ લિટર લોટ સામે શિવરાજ સિંઘ નો પડકાર. શિક્ષકના માથા પર પગ રાખતા. શિક્ષક દિન નિમિત્તે ભેટ . જ્યારે આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શિવરાજસિંહ ચૌહાણ એવું બોલી રહ્યા છે કે, “અમારા ગુરુજીના માથા પર અમે પગ રાખતા હતા.”

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો મધ્યપ્રદેશના જનસંપર્કના સત્તાવાર યુટ્યુબ પર 04 સપ્ટેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, મધ્યપ્રદેશના ભોપાલ ખાતે નવનિયુક્ત શિક્ષકોના પ્રશિક્ષણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જે ભાષણ આપ્યું હતું તેનો આ વીડિયો છે. આ વીડિયોમાં તમે 1.41.35 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને સાંભળી શકો છો. જેમાં શિવરાજસિંહ ચૌહાણ એવું બોલી રહ્યા છે કે, “मैं जैत में सरकारी स्कूल में पढ़ा, भोपाल में भी सरकारी स्कूल में ही पढ़ा. हमारे गुरूजी आज भी वो हैं, श्रद्धेय रतनचंद जैन. मैं जाता था उनके सिर पर हम सभी पैर रखते, उनके सिर पर हम” ત્યાર બાદ તેઓ પોતાની ભૂલને સુધારીને એવું બોલે છે કે, “सदैव ही, उनका आशीर्वाद लेने के लिए हम अपने सिर को उनके पैरों पर सदैव ही रखते थे.” જેનો ગુજરાતી અનુવાદ એવો થાય છે કે, “હું જૈતમાં સરકારી શાળામાં ભણ્યો, ભોપાલમાં પણ સરકારી શાળામાં ભણ્યો. અમારા ગુરુજી આજે પણ એજ છે, શ્રદ્ધેય રતનચંદ જૈન. હું જતો હતો તેમના માથા પર અમે બધા પગ રાખતા હતા. તેમના મસ્તક પર અમે.” ત્યાર બાદ ભૂલ સુધારીને તેઓ એવું કહે છે કે, “હંમેશા તેમના આશીર્વાદ લેવા માટે અમે પોતાના મસ્તકને તેમના ચરણોમાં હંમેશા રાખતા હતા.”

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Office of Shivraj | IBC24

નીચે તમે ઓરિજીનલ વીડિયો અને એડિટેડ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શિવરાજસિંહ ચૌહાણનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. આ વીડિયોમાં શિવરાજસિંહ ચૌહાણ તેમની ભૂલ બાદ એવું કહી રહ્યા છે કે, “અમારા ગુરુજીના આશીર્વાદ લેવા માટે અમે હંમેશા અમારું મસ્તક તેમના ચરણોમાં રાખતા હતા.” જો કે આ પહેલાં તેઓની બોલવામાં ભૂલ થઈ હતી અને તરત જ તેઓએ એ ભૂલને સુધારી પણ દીધી હતી. કોમ્પ્યુટરની મદદથી આ વીડિયોમાંથી પાછળનો સુધારેલો ભાગ કટ કરીને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ... જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False