મોરબી ખાતે પુલ હોનારતમાં ઘાયલ થયેલા દર્દીના ફોટા અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોરબી ખાતે બનેલી પુલ દુર્ઘટનાના ઘણા બધા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ઘાયલ દર્દીના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોરબી પુલ દુર્ઘટનામાં ઘાયલ એક દર્દીના પગના ઘૂંટણ પર નાનો પાટો હતો પરંતુ જ્યારે વડાપ્રધાન દર્દીઓની મુલાકાતે આવવાની માહિતી મળતાં જ એ પાટો મોટો થઈ ગયો જે એક નાટક છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, દર્દી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, સૌપ્રથમ જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે પ્રાથમિક સારવારના ભાગરુપે પગના ઘૂંટણ પર નાનો પાટો બાંધવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ કેટલાક રિપોર્ટ આવ્યા પછી બીજા દિવસે પગમાં ફ્રેક્ચર હોવાની જાણ થતાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા આખા પગે પાટો બાંધવામાં આવ્યો હતો. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jay Patel નામના ફેસબુક યુઝર દ્વારા 1 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ભાઇ પુલ પરથી પડ્યા ત્યારે ગોઠણની આજુ બાજુ ઈજા થઈ હતી પંરતુ જેવીજ આ ભાઈને ખબર પડી કે ભારતના વડા પ્રધાન .Narendra Modi તેમની મુલાકાતે આવવાના છે તો આ ભાઈની ઈજાનો વિકાસ થયો અને ઈજા ગોઠણ થી લઈને પગમાં છેક નીચે સુઘી ફેલાઈ ગય… શુ કોઈ કહી શકશે કે આવું કેમ થયું હશે…? આવ ભાઈ હરખા, આપણે બેય સરખા. બીજી કહેવત છે. ખોટાની માને ખોટો પરણે. ત્રીજું એવું કહેવાય છે કે, ખોટું જ કરે એને ખોટું જ મળે. ખોટા ને ખોટો મળ્યો.આજે પહેલી વાર મોદીજી ને કોઈ ટક્કર નો મળ્યો.. સુધામૂર્તિના આ ફોટો સાથેની માહિતીના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોરબી પુલ દુર્ઘટનામાં ઘાયલ એક દર્દીના પગના ઘૂંટણ પર નાનો પાટો હતો પરંતુ જ્યારે વડાપ્રધાન દર્દીઓની મુલાકાતે આવવાની માહિતી મળતાં જ એ પાટો મોટો થઈ ગયો જે એક નાટક છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને ધ લલ્લનટોપ દ્વારા 02 નવેમ્બર, 2022 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટોમાં દેખાઈ રહેલા દર્દીના વીડિયો સાથેનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, ફોટોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે એનું નામ અશ્વિન છે અને તે પોતે એવું જણાવી રહ્યા છે કે, જ્યારે તેમને પ્રાથમિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમના પગે ઈજા હોવાથી પ્રાથમિક સારવારના ભાગરુપે નાનો પાટો બાંધવામાં આવ્યો હતો પરંતુ જ્યારે તેમના પગના એક્સ રે રિપોર્ટમાં ફ્રેક્ચર આવ્યું ત્યારે એ જગ્યા પર પ્લાસ્ટર ઓફ પેરિસનો આખો પાટો બાંધવામાં આવ્યો હતો.

આ વીડિયોને ધ લલ્લનટોપ દ્વારા તેના ફેસબુક પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો હતો.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ સંપર્ક મોરબીના અશ્વિનભાઈ અરજણભાઈ હડિયલનો કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “મોરબી ખાતે બનેલી પુલ દુર્ઘટનામાં હું ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે તરત જ મને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે હોસ્પિટલમાં આ ઘટનામાં મૃત્યુ પામેલા ઘણા બધા લોકોના શવ હતા. ત્યારે ફરજ પર હાજર તબીબે મારી પ્રાથમિક સારવારના ભાગરુપે પાટાપિંડી કરી હતી અને મને તાત્કાલિક એક્સ રે કરાવવાનું કહીને દવા અને ઈન્જેક્શન આપ્યા હતા કે જેથી મારો દુખાવો ઓછો થાય. તેઓએ તરત જ મને કહ્યું હતું કે, હાલમાં આ પ્રાથમિક સારવારથી રાહત થશે પરંતુ તમારે લગભાગ 15 દિવસ પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધવો જ પડશે. ત્યાર બાદ મને મોદીજી આવ્યા એ પહેલાં ડોક્ટરના કહ્યા મુજબ મારી ઈજાને ધ્યાનમાં રાખીને આખા પગે પ્લાસ્ટરનો પાટો બાંધવામાં આવ્યો હતો.”

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ દાવો ખોટો હોવાની માહિતી આપતી એક ટ્વિટ 1 નવેમ્બર, 2022 ના રોજ કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, દર્દી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, સૌપ્રથમ જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે પ્રાથમિક સારવારના ભાગરુપે પગના ઘૂંટણ પર નાનો પાટો બાંધવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ કેટલાક રિપોર્ટ આવ્યા પછી બીજા દિવસે પગમાં ફ્રેક્ચર હોવાની જાણ થતાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા આખા પગે પાટો બાંધવામાં આવ્યો હતો.

Avatar

Title:મોરબી ખાતે પુલ હોનારતમાં ઘાયલ થયેલા દર્દીના ફોટા અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context