શું ખરેખર પંજાબના મુખ્યમંત્રી સાથે દેખાતો વ્યક્તિ સિદ્ધુ મૂસેવાલાનો હત્યારો ‘ગોલ્ડી બરાડ’ છે…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સમાચરોએ જોર પકડ્યું છે ત્યારે તેને લગતા ઘણા બધા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ઉભેલા એક વ્યક્તિનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે દેખાઈ રહેલો વ્યક્તિ સિદ્ધુ મૂસેવાલાનો હત્યારો ‘ગોલ્ડી બરાડ’ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ઉભેલા વ્યક્તિનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ પણ ‘ગોલ્ડી બરાડ’ જ છે. પરંતુ તે પોતે સિદ્ધુ મૂસેવાલાનો હત્યારો નથી એવું તેણે પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયોના માધ્યમથી જણાવ્યું છે. આ વ્યક્તિનો સિદ્ધુ મૂસેવાલાની હત્યા સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jaydipsinh MahiDa નામના ફેસબુક યુઝર દ્વારા 30 મે, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભગવંત માન ની હારે ઉભેલો “ગોલ્ડી બરાડ” નો સિદ્ધુ મુસેવાલા ની હત્યા મા હાથ … સુરક્ષા હટાવવા વાળો ,,હત્યા કરવા વાળો એક હારે👇 👇. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે દેખાઈ રહેલો વ્યક્તિ સિદ્ધુ મૂસેવાલાનો હત્યારો ‘ગોલ્ડી બરાડ’ છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો Goldy Brar નામના ફેસબુક યુઝર દ્વારા તેના ફેસબુક એખાઉન્ટ પર 10 માર્ચ  2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં તે પોતે પંજાબના મુખ્યમંત્રીને અભિવાદન પાઠવી રહ્યા હોવાની માહિતી આપવામાં આવી છે.

આ ફેસબુક પ્રોફાઈલ પર વધુ તપાસ કરતાં અમને 29 મે, 2022 ના રોજ Goldy Brar દ્વારા અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે, “મારું નામ ગોલ્ડી બરાડ છે, હું ફઝિલ્કા જિલ્લાના જલાલાબાદ તાલુકાના જાંડવાલા જામનો રહેવાસી છું. તાજેતરમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જે ઘટના બની એ ખૂબ જ દુ:ખદ છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા પંજાબના મુખ્યમંત્રી સાથેનો મારો ફોટો ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હું તંત્રને અપીલ કરું છું કે, આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.”

સમાચારમાં પ્રાપ્ત માહિતી મુજબ સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી ગોલ્ડી બરાડે લીધી છે. સતિન્દર સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી છે. તે રાજ્યમાં ચલાવવામાં આવતા ખંડણી રેકેટમાં સામેલ હતો. આરોપ છે કે, યુથ કોંગ્રેસના નેતા ગુરલાલ પહેલવાનની હત્યામાં તેનો હાથ હતો. તે હવે કેનેડામાં રહે છે અને ત્યાંથી પંજાબમાં મોડ્યુલ દ્વારા ઓપરેટ કરી રહ્યો છે. બરાડ રાજ્યના ફરીદકોટ જિલ્લાનો વતની છે.

નીચે તમે ગેગસ્ટર ગોલ્ડી બરાડ અને સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં દેખાતા ગોલ્ડી બરાડના ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ઉભેલા વ્યક્તિનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ પણ ‘ગોલ્ડી બરાડ’ જ છે. પરંતુ તે પોતે સિદ્ધુ મૂસેવાલાનો હત્યારો નથી એવું તેણે પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયોના માધ્યમથી જણાવ્યું છે. આ વ્યક્તિનો સિદ્ધુ મૂસેવાલાની હત્યા સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર પંજાબના મુખ્યમંત્રી સાથે દેખાતો વ્યક્તિ સિદ્ધુ મૂસેવાલાનો હત્યારો ‘ગોલ્ડી બરાડ’ છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Misleading