શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગઝેબના પુત્રની કબર પર ફૂલ ચડાવી રહ્યા છે...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કબર પર ફૂલ ચડાવી રહેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગઝેબના પુત્રની કબર પર ફૂલ ચડાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગઝેબના પુત્રની કબર પર નહીં પરંતુ બહાદુર શાહ ઝફરની કબર પર ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Datun Free નામના ફેસબુક યુઝર દ્વારા 19 મે, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઓરન્ગઝેબ ના બેટાની કબર ઉપર ફૂલ ચડાવતા પઠાણ સાહેબ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગઝેબના પુત્રની કબર પર ફૂલ ચડાવી રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં ઉપર જમણી બાજુ પર ખૂણામાં રિપબ્લિક વર્લ્ડ નામની સમાચાર ચેનલનો લોગો જોવા મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમે યુટ્યુબ પર જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Republic World નામની સમાચાર ચેનલના સત્તાવાર યુટ્યુબ પર 07 સપ્ટેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારના યાંગૂનમાં બહાદુર શાહ ઝફરની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
અમારી વધુ તપાસમાં અમને NDTVની વેબસાઈટ પરથી જાણવા મળ્યું હતું કે, 5મી સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસની મ્યાનમારની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ મુગલ રાજા બહાદુર શાહ ઝફરની કબર પર શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. આ ઉપરાંત તેમણે 2,500 વર્ષ જૂના શ્વેદાગોન પેગોડાની મુલાકાત લીધી હતી અને યાંગૂનમાં કાલીબારી મંદિરની પણ પૂજા કરી હતી.
વડાપ્રધાને પોતાના ટ્વિટર હેન્ડલ પર બહાદુર શાહ ઝફરની કબરની તસવીર પણ ટ્વિટ કરી હતી. તેઓ 7મી સપ્ટેમ્બર, 2017ના રોજ તે મઝાર પર ગયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગઝેબના પુત્રની કબર પર નહીં પરંતુ બહાદુર શાહ ઝફરની કબર પર ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગઝેબના પુત્રની કબર પર ફૂલ ચડાવી રહ્યા છે...? જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False