વર્ષ 2020 માં લેબેનોનના બૈરુત ખાતે થયેલા બ્લાસ્ટનો વીડિયો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વાસ્તવિક યુદ્ધના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આ ભયંકર વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના વાસ્તવિક યુદ્ધનો નહીં પરંતુ વર્ષ 2020 માં લેબેનોનના બૈરુત ખાતે થયેલા એક બોમ્બ બ્લાસ્ટનો વીડિયો છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gujarat update નામના ફેસબુક પેજ દ્વારા 03 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જુઓ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ નો એક ભયંકર વીડિયો... સોસિયલ મીડિયા માં વીડિયો વાયરલ..... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આ ભયંકર વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને RoLa નામના એક ટ્વિટર યુઝર દ્વારા તેના ટ્વિટર પર 5 ઓગષ્ટ, 2020 ના રોજ એક પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં લેબેનોનના બૈરુત ખાતે થયેલા બ્લાસ્ટનો આ વીડિયો હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો રશિયા-યુક્રેનના યુદ્ધ પહેલાંનો છે.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Jenan Moussa નામની એક અરેબિયન પત્રકાર દ્વારા પણ 5 ઓગષ્ટ, 2020 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર પર મૂકવામાં આવ્યો હતો. જેમાં પણ આ વીડિયો લેબેનોનના બૈરુત ખાતે થયેલા બ્લાસ્ટનો હોવાની માહિતી આપવામાં આવી હતી.
આજ વીડિયો સાથેના સમાચાર અમને vice.com દ્વારા પણ 4 ઓગષ્ટ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના વાસ્તવિક યુદ્ધનો નહીં પરંતુ વર્ષ 2020 માં લેબેનોનના બૈરુત ખાતે થયેલા એક બોમ્બ બ્લાસ્ટનો વીડિયો છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
Title:વર્ષ 2020 માં લેબેનોનના બૈરુત ખાતે થયેલા બ્લાસ્ટનો વીડિયો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વાસ્તવિક યુદ્ધના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False