
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા મુકેશ ખન્નાના નામે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન વિશે કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, અગર ડ્રગ્સ મામલે મેં આર્યન ખાન કો જમાનત મિલ જાતી હૈ તો ઈસમેં કોઈ આશ્ચર્ય મત કરના ક્યોંકિ કાનૂન સિર્ફ નિર્દોષ આસારાજમજી બાપૂ જૈસે સાધુ સંતો કે લિએ સખ્ત હોતા હૈ. બોલીવુડ વાલોં કો તો ઘર જમાઈ જૈસે આદર સત્કાર મિલતે હૈ. ક્યોંકિ યે ભારતીય કાનૂન હૈ ન !… આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા મુકેશ ખન્ના દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં અભિનેતા મુકેશ ખન્ના દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે એવું મુકેશ ખન્નાએ જણાવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jayesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 04 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સાચી વાત મુકેશ ખન્નાજી…કેમ કે કાનૂન તો માત્ર સમાજને સુધારવા જેમણે આખી જીંદગી કુરબાન કરી નાંખી હોય એવા નિર્દોષ સંતો કે જેમને ષડયંત્રો ના શિકાર બનાવી દીધા હોય એમના માટે જ કડક હોય છે, મોટી ફિલ્મી હસ્તીઓના નબીરાઓ માટે નહીં! જ્યારે ફોટોમાં મૂકવામાં આવેલી ટ્વિટમાં એવું લખવામાં આવ્યું છે કે, अगर ड्रग्स मामले में आर्यन खान को जमानत मिल जाती है तो इसमें कोई आश्चर्य मत करना क्योंकि कानून सिर्फ निर्दोष आशारामजी बापू जैसे साधू संतों के लिए सख्त होता है । बॉलीवुड वालों को तो घर जमाई जैसा आदर सत्कार मिलते है । क्योंकि ये भारतीय कानून है न !…. જેનો ગુજરાતી મતલબ એવો થાય કે, “જો ડ્રગ્સ મામલે આર્યન ખાનને જમાનત મળી જાય તો કોઈ આશ્ચર્યની વાત નથી કેમ કે, કાનૂન તો ફક્ત નિર્દોષ આશારામજી બાપૂ જેવા સાધુ સંતો માટે જ સખ્ત હોય છે. બોલીવુડવાળાઓને તો ઘર જમાઈ જેવો આદર સત્કાર મળે છે. કારણ કે આ ભારતનું કાનૂન છે ને !”. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ટ્વિટ અભિનેતા મુકેશ ખન્ના દ્વારા કરવામાં આવ્યું છે.
FACT CHECK
તાજેતરમાં મુંબઈથી ગોવા જતા લક્ઝુરિયસ ક્રુઝ પાર્ટીમાં NCB એ દરોડા પાડ્યા હતા. આ સમાચારે બોલીવુડને હચમચાવી દીધું છે. જેમાં અભિનેતા શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન પણ પકડાયો હતો. આ કેસમાં આર્યન ખાન સહિત 8 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર આ મામલે અભિનેતા મુકેશ ખન્નાના નામથી એક ટ્વિટ પણ વાયરલ થઈ રહી છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અભિનેતા મુકેશ ખન્ના દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ અભિનેતા મુકેશ ખન્ના દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં અભિનેતા મુકેશ ખન્નાના જે ટ્વિટર એકાઉન્ટ પરથી આ ટ્વિટ કરવામાં આવી છે તે @TheMukeshK દ્વારા આ ટ્વિટ 3 ઓક્ટોમ્બર, 2021 ના રોજ કરવામાં આવી છે.
ત્યાર બાદ અમે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર અભિનેતા મુકેશ ખન્ના દ્વારા આ પ્રકારની કોઈ માહિતી મૂકવામાં આવી છે કે કેમ એ જોવા જતાં અમને તેમના સત્તાવાર ફેસબુક પર કે સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
હવે એ પણ જાણવું ખૂબ જરુરી હતું કે, અભિનેતા મુકેશ ખન્નાનું ટ્વિટર પર કોઈ એકાઉન્ટ છે કે કેમ?
એટલા માટે અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ અભિનેતા મુકેશ ખન્નાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ ટ્વિટર એકાઉન્ટ મારું નથી. આ એકાઉન્ટ પરથી ઘણી બધી વાર મારા નામે ખોટી માહિતી મૂકવામાં આવતી હોય છે. આવી ખોટી માહિતી પર લોકોએ વિશ્વાસ મૂકવો ન જોઈએ અને તેને આગળ વધતી અટકાવવી જોઈએ. આ પ્રકારની કોઈ જ ટિપ્પણી મારા દ્વારા કરવામાં નથી આવી.”
વધુમાં અભિનેતા મુકેશ ખન્નાએ અમને એ પણ જણાવ્યું હતું કે, ટ્વિટર પર મારું જે એકાઉન્ટ છે એ @actmukeshkhanna ના નામે છે. જે તમે નીચે જોઈ શકો છો. તેમના લગભગ 30 હજારથી પણ વધુ ફોલોઅર્સ પણ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં અભિનેતા મુકેશ ખન્ના દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે એવું મુકેશ ખન્નાએ જણાવ્યું હતું.

Title:અભિનેતા મુકેશ ખન્નાના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન વિશે કરવામાં આવેલી ટ્વિટ થઈ વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
