
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી છે અને એક મહિનામાં બેન્ક ઓફ બરોડા UAE માં બંધ થઈ જશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે. કારણ કે, UAE ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાની શાખા બંધ કરવા અંગેનો નિર્ણય ગયા વર્ષે જ લેવામાં આવ્યો હતો પરંતુ UAE ખાતે બેન્ક ઓફ બરોડા બંધ થવા પાછળ અદાણી કે પછી લોકોની લાંબી કતારો લાગી હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rajvanshi Shamat નામના ફેસબુક યુઝર દ્વારા 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, મુસ્લિમ કન્ટ્રી UAE માં બેન્ક ઓફ બરોડા ના ખાતા બંધ કરવા લાંબી કતારો .૧ મહિનામાં BOB નું ફીંડલું વળી જશે નક્કી .. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી છે અને એક મહિનામાં બેન્ક ઓફ બરોડા UAE માં બંધ થઈ જશે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલ પર સર્ચ કરતાં અમને 27 ફેબ્રુઆરી 2023 ના રોજ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેના અનુસાર, બેન્ક ઓફ બરોડાએ 22 માર્ચથી UAEમાં તેની તમામ કાનૂની શાખાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
બેન્કના જણાવ્યા અનુસાર, તે ગયા વર્ષે લેવામાં આવેલો વ્યવસાયિક નિર્ણય હતો. UAE ની અલ આઈન બેન્ક ઑફ બરોડા શાખાના તમામ ગ્રાહકોના ખાતાને અબુ ધાબી શાખામાં ટ્રાન્સફર કરી રહી છે. બેન્કે તેના ગ્રાહકો માટે તેમના બેન્ક ખાતા બંધ કરવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે. બેન્કે એ પણ સ્પષ્ટતા કરી છે કે, બેન્કોમાં કતારમાં ઉભા રહેલા લોકોની તસવીરો સોશિયલ મીડિયા પર ખોટા અને ભ્રામક દાવાઓ સાથે ફરતી કરવામાં આવી રહી છે.
અમને બેન્ક ઑફ બરોડાની અલ આઈન શાખા દ્વારા જારી કરાયેલ એક સૂચના પણ મળી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, શાખા 22 માર્ચ, 2023 થી તેની કામગીરી બંધ કરશે. ગ્રાહકનું ખાતું અબુ ધાબી શાખામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે અને ગ્રાહકને તેનું બેન્ક ખાતું બંધ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જાણ કરવામાં આવે છે કે, ગ્રાહકના IBN અને એકાઉન્ટની વિગતો સમાન રહેશે. શહેરના આ વિસ્તારમાં બેન્ક એટીએમ ચાલુ રહેશે.
ઉપરોક્ત નિવેદન બેન્ક ઓફ બરોડા દ્વારા પણ ટ્વિટ કરવામાં આવ્યું હતું જે તમે નીચે જોઈ શકો છો. આ સાથે બેન્ક દ્વારા વિનંતી કરવામાં આવી છે કે, લોકો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, UAE ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાની શાખા બંધ કરવા અંગેનો નિર્ણય ગયા વર્ષે જ લેવામાં આવ્યો હતો પરંતુ UAE ખાતે બેન્ક ઓફ બરોડા બંધ થવા પાછળ અદાણી કે પછી લોકોની લાંબી કતારો લાગી હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો UAE માં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ બંધ થઈ રહી હોવાની માહિતીનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
