શું ખરેખર બેંગ્લુરૂના ફોટોગ્રાફર દ્વારા આ વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Dinesh Damani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાચિંડા ને તેનો રંગ બદલતો જોયો છે તમે કદી ? તેને સાત રંગ બદલતો જુઓ બરાબર. ફોટોગ્રાફી બેંગલુરૂ ના વિક્રમ પોનાપ્પા ની છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બેંગ્લુરૂના ફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પા દ્વારા શૂટ કરવામાં આવ્યો.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે બેંગ્લુરૂ ફોટોગ્રાફરના વિક્રમ પોનાપ્પાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર આ વિડિયોને શોધવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ અમને આ વિડિયો તેમના સોશિયલ મિડિયાના એકાઉન્ટ પર જોવા મળ્યો ન હતો. 

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને આ વિડિયો ક્યાંનો છે તે શોધવા પ્રયત્ન કર્યો હતો, આથી અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને LATESLY.COM નામની વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો જુનો છે. જે હાલમાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તે મુળ વિડિયો ઈસ્ટ આફ્રિકાના મેડાગાસ્કરનો છે.” જે તમે નીચે જોઈ શકો છો. 

LATESLY.COM | ARCHIVE

ધ એનિમલ બોક્સ ઓફિસ નામની યુટ્યુબ ચેનલ દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2016ના આ વિડિયો તેમની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું અમને જાણવા મળ્યુ હતુ. જે વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે બેંગ્લુરૂના ફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “પોસ્ટમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે. મે આ આ પ્રકારે કોઈ વિડિયો શૂટ નથી કર્યો. તેમજ મારા દ્વારા ક્યારેય દાવો પણ નથી કરવામાં આવ્યો કે મે આ વિડિયો શૂટ કર્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2016નો અને ઈસ્ટ આફ્રિકાનો છે. તેમજ તેને બેગ્લુરૂના ફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પા દ્વારા નથી શૂટ કરવામાં આવ્યો. જેની પૃષ્ટી વિક્રમ દ્વારા કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર બેંગ્લુરૂના ફોટોગ્રાફર દ્વારા આ વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False