
ગુજરાતના સોશિયલ મિડિયામાં સમયાંતરે બ્રેક્રિંગ પ્લેટ સાથે સાચા-ખોટા મેસેજ વાયરલ થતા હોય છે. આ વચ્ચે હાલમાં એક પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે અને પેટ્રોલના ભાવને લઈ મેસેજ છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહા એલાન કરવામાં આવ્યુ કે, 71 લિટર પેટ્રોલ ફ્રીમાં આપવામાં આવશે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 71 લિટર ફ્રી પેટ્રોલ આપવામાં આવશે તેવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી નથી. વેબસાઈટ દ્વારા ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
AtheGathe – અઠેગઠે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહા એલાન કરવામાં આવ્યુ કે, 71 લિટર પેટ્રોલ ફ્રીમાં આપવામાં આવશે.”
Facebook | Fb post Archive | Fb Article Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પ્રધાનમંત્રીના સોશિયલ મિડિયા એકાઉન્ટ (ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ) પર શોધ કરી હતી પરંતુ પોસ્ટમાં કરવામાં આવેલી કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
તેમજ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેબસાઈટ, યુટ્યુબ ચેનલ, તેમજ પીએમઓની વેબસાઈટ, ટ્વિટર, યુટ્યુબ ચેનલની પણ મુલાકાત લીધી હતી. પરંતુ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી હોવાની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો અહેવાલ વાંચ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “સીટી બેંકની એક પ્રોડક્ટ છે ઈન્ડિયન ઓઈલ સીટી બેંક પ્લેટિનિમ ક્રેડિટ કાર્ડ તેમાં આપને એક વર્ષમાં 71 લિટર પ્રેટોલ-ડિઝલ ફ્રી મળી શકે છે.”
ત્યારબાદ અમે સીટીબેંકની વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ તેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, 2017ના દિલ્હીના પેટ્રોલના ભાવ 67.84 રૂપિયા પ્રમાણે ગણતરી કરતા વર્ષે આ ક્રેડિટ કાર્ડમાં 4827 (4827/67.84=71.15) રૂપિયાનો ફાયદો થાય છે. (જરૂરી ટ્રાન્જેક્શન બેંકની શરતો પ્રમાણે કરવાથી) બેંકની આ શરતો તમે નીચે જોઈ શકો છો.
અઠેગઠે વેબસાઈટ દ્વારા અવાર-નવાર આ પ્રકારે અધૂરી અને ભ્રામક માહિતી સાથેના અહેવાલ પ્રસારિત કરવામાં આવતા હોય છે. આ પહેલા પણ ગુજરાતી ફેક્ટક્રેસન્ડો ટીમ દ્વારા આ વેબસાઈટના અહેવાલ પર વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 71 લિટર ફ્રી પેટ્રોલ આપવામાં આવશે તેવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી નથી. વેબસાઈટ દ્વારા ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે.

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 71 લિટર પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાત કરી છે…?
Fact Check By: Yogesh KariaResult: Missing Context
