
મુંબઈમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસને કારણે 23 માર્ચ 2020ના રોજ મુંબઇની લોકલ ટ્રેન બંધ કરવામાં આવી હતી. 15 જુલાઈ 2020 ના રોજ, આરોગ્ય, સેનિટેશન અને સરકારી કર્મચારીઓ જેવા ચોક્કસ લોકો માટે ફરી લોકલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ 10 મહિના પછી 1 ફેબ્રુઆરીના સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી છે.
મુંબઇની લોકલ ટ્રેનની સેવા શરૂ થતાં જ લાખો લોકોએ તેમાં મુસાફરી કરી. જે બાદ મુંબઈની લોકલ ટ્રેનનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. વિડિયોમાં હજારો લોકો ચડતા અને ટ્રેનમાં જતા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈના બોરીવલી સ્ટેશનનો 1 ફેબ્રુઆરી 2021નો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, મુંબઈ લોકલ ટ્રેનનો 5 વર્ષ જુનો વિડિયો સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. મુંબઈના બોરીવલી સ્ટેશન પર આ પ્રકારે ભીડ એકઠી થઈ ન હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Paresh Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈના બોરીવલી સ્ટેશનનો 1 ફેબ્રુઆરી 2021નો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો 21 માર્ચ 2016ના યુટ્યૂબ પર પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ તપાસ કરતા અમને મુંબઇ સેન્ટ્રલ ડિવિઝનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલુ એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. આ ટ્વિટમાં વાયરલ વિડિયોને ફેક ગણાવ્યો હતો અને લખ્યું છે કે, “કોઈ પણ સ્ટેશન પર આવી ભીડ જોવા મળી નથી. ભીડને કાબૂમાં રાખવા માટે ઘણા બધા કર્મચારીઓ હાજર છે.”
તપાસ કરતી વખતે અમને ફ્રી પ્રેસના ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ એક ટ્વીટ પ્રાપ્ત થયુ હતુ. આ ટ્વિટમાં બોરીવલી સ્ટેશનનો વિડિયો શેર કરતાં લખવામાં આવ્યુ હતુ કે, “10 મહિના પછી જૂના દિવસો પરત આવી ગયા છે. ફરી એકવાર મુંબઈ લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે ખુલી ગઈ છે.” આ વિડિયો 1 ફેબ્રુઆરી 2021 ના રોજ અપલોડ કરવામાં આવી હતી. વિડિયોમાં લોકલ ટ્રેનના પહેલા દિવસનો ચિતાર બતાવવામાં આવ્યો છે. જે વાયરલ વિડિયોથી સાવ અલગ છે. વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રેલ્વે સ્ટેશન પર વધારે ભીડ નથી.
તેમજ વધુ પડતાલ કરતા આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે મુજબ લોકલ ટ્રેનોમાં ભીડને નિયંત્રણમાં રાખવા માટે ઘણા નવા નિયમો અને કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. આ અહેવાલો અનુસાર નિયત સમયે માત્ર થોડી લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. સામાન્ય લોકો પીક ટાઇમ એટલે કે સવારે 7 થી બપોરે 12 સુધી અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી મુસાફરી કરી શકશે નહીં.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કે, કારણ કે, મુંબઈ લોકલ ટ્રેનનો 5 વર્ષ જુનો વિડિયો સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. મુંબઈના બોરીવલી સ્ટેશન પર આ પ્રકારે ભીડ એકઠી થઈ ન હતી.

Title:શું ખરેખર 1 ફેબ્રુઆરી 2021ના મહારાષ્ટ્ર મુંબઈના બોરિવલીનો આ વિડિયો છે….?
Fact Check By: Yogesh KariaResult: False
