શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા હાઈ-વે પર ચાલતા વાહનો લઈ એલર્ટ મેસેજ જાહેર કર્યો છે..?જાણો શું છે સત્ય..
160 uttar vidhan sabha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક અત્યંત મહત્વની સૂચના હાયવે ઉપર પ્રવાસ કરતી વખતે આપણી પાછળ વાળી ગાડી માથી વ્યક્તી આપણી ગાડીનો નંબર મોબાઈલ ઉપર સર્ચ કરીને આપણું નામ જાણી લે છે. પછી આપણા નામ નો સાદ કરીને આપણી ગાડી ઉભી રાખવા વીનંતી કરે છે. આપણને એમ લાગે કે આપણા નામ થી બોલાવવા થી કદાચ આપણને ઓળખતો હોવો જોઇયે.એટલે આપણે ઉભા રહીયે ...તો *સાવધાન* ક્યારેય ગાડી ઉભી રાખવી નહી. લોકડાઉન ના લીધે લૂંટ-ફાટ કરે છે આ નવો ફંડો ચાલુ કર્યો છે. માટે સતર્ક રહો સુરક્ષીત રહો. ગૂજરાત પોલીસ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત પોલીસ દ્વારા હાઈ-વે પર ચાલતા વાહનોને લઈ એલર્ટ મેસેજ જાહેર કર્યો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ગૂગલ પર ઘણા પરિણામોતો પ્રાપ્ત થયા હતા. પરંતુ આ પ્રકારે કોઈ આદેશ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાનો સંપર્ક સાધ્યો હતો અને આ પ્રકારે કોઈ સુચના તેમને ગૃહ વિભાગ માંથી મળી છે કે કેમ તે અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ સુચના ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી નથી. આ તદ્દન ખોટી અફવા છે લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ.”
ત્યારબાદ અમે ગુજરાતના ગૃહ વિભાગનો સંપર્ક સાધ્યો હતો ત્યા હાજર ઉપસચિવ દ્વારા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ સુચના તેમજ એલર્ટનો મેસેજ ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યો નથી. તેમજ આ પ્રકારની કોઈ ઘટના બની હોવાનું પણ અમારા ધ્યાનમાં આવ્યુ નથી.”
પરિણામ
આમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ ગુજરાતના પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યો નથી. આ એક અફવા હોવાની પૃષ્ટી ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Title:શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા હાઈ-વે પર ચાલતા વાહનો લઈ એલર્ટ મેસેજ જાહેર કર્યો છે..?જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False