શું ખરેખર ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ત્રિપુરા ખાતે એક લગ્નપ્રસંગમાં પોલીસે પહોંચીને કેટલાક લોકોને સરકારના નિયમોનું પાલન કરવાનું જણાવ્યું હતું અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રિપુરા ખાતે બનેલી આ ઘટના બાદ ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, ત્રિપુરા ખાતે યોજાયેલા લગ્નપ્રસંગમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વીડિયો વાયરલ થતાં કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા પરંતુ આ કેસની તપાસ હજુ ચાલુ છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Adv Mehul Boghara નામના ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ખોટી હીરો ગીરીથી દૂર જ રહેવાનું કલેક્ટર શ્રી; આ સોશિયલ મીડિયા છે સારા સારા ની હવા ટાઇટ થઈ જાય#powerofsocialmedia પશ્ચિમ ત્રિપુરા ના કલેકટર શૈલેષ કુમાર યાદવ લોકોના લગ્ન પ્રશગમાં હીરોગીરી કરતા જોવા મળ્યા; વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં થઈ ગયા સસ્પેન્ડ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રિપુરા ખાતે યોજાયેલા લગ્નપ્રસંગમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વીડિયો વાયરલ થતાં કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને uniindia.com દ્વારા 28 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેની સાથે શીર્ષકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ત્રિપુરાના મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સરકારી સચિવ મનોજ કુમારને આ મામલાની તપાસ કરીને તેનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ મામલાની તપાસ માટે બે અધિકારીઓની એક સમિતિ બનાવવામાં આવી છે અને આ મામલાની તપાસ હજી ચાલુ છે. તે સમિતિમાં વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ કિરણ ગિત્તે અને તનુશ્રી દેવવર્માની નિમણૂક કરવામાં આવી છે.

સમાચારમાં એ પણ લખવામાં આવ્યું છે કે, પશ્ચિમ ત્રિપુરાના ડીએમ શૈલેષકુમાર યાદવે પોતાના આ પ્રકારના વર્તન બદલ માફી માંગી છે. તેમજ એ પણ કહ્યું છે કે, તેમનો ઈરાદો કોઈ પણ વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહતો તથા તેઓએ આ બધું લોકોના હિત માટે જ કર્યું છે.

તમને એ પણ જણાવી દઈએ કે, યુ.એન.આઈ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા આ સમાચારમાં ક્યાંય પણ કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એવી કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

image2.png

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ત્રિપુરાના મુખ્યમંત્રીની ઓફિસ ખાતેના પ્રમુખ સચિવ લાહલિયા દારલોંગ સાથે આ ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી માહિતી તદ્દન ખોટી છે. ડી.એમ. શૈલેષકુમાર યાદવને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. તાજેતરમાં મુખ્યમંત્રીએ મુખ્ય સરકારી સચિવ મનોજકુમારને આ ઘટનાનો રિપોર્ટ બનાવવા માટેનો આદેશ કર્યો છે. તેમજ આ ઘટના માટે બે અધિકારીઓની મમિતિ પણ બનાવવામાં આવી છે. આ ઘટનાની હજુ કોઇ સુનાવણી થઈ નથી તપાસ હજુ ચાલુ છે.”

અંતમાં અમે ત્રિપુરાના મુખ્ય સરકારી સચિવ મનોજ કુમારનો સંપર્ક કરીને આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી માહિતી તદ્દન ખોટી છે. ડી.એમ. શૈલેષ કુમાર યાદવને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા.”

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર લોકો ડી.એમ. શૈલેષ કુમાર યાદવને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ત્રિપુરા ખાતે યોજાયેલા લગ્નપ્રસંગમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વીડિયો વાયરલ થતાં કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા પરંતુ આ કેસની તપાસ હજુ ચાલુ છે.

Avatar

Title:શું ખરેખર ત્રિપુરાના કલેક્ટર શૈલેષ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False