
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કર્ણાટકમાં હિજાબ ગર્લ તરીકે ઓળખાઈ રહેલી મુસ્કાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવીને તેને સમર્થન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવતો જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Aki Pathan નામના ફેસબુક યુઝર દ્વારા 12 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અલહમદુલિલાહ વિદેશ માં પણ આ કર્ણાટક ની મુસ્લીમ દિકરી ની વાહ વાહ થઈ… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવીને તેને સમર્થન આપવામાં આવ્યું.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે બુર્જ ખલિફાના સોશિયલ મીડિયા એકાઉન્ટની મુલાકાત લેતાં અમને એ જાણવા મળ્યું હતું કે, છેલ્લી વખત બુર્જ ખલિફા પર ગયા મહિને ચીનના નવા વર્ષ દરમિયાન લાઈટિંગ કરવામાં આવ્યું હતું. બુર્જ ખલિફાના ટ્વિટર પર કરવામાં આવેલી ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો કે, “#BurjKhalifa #ChineseNew Year નું સ્વાગત કરે છે! 4થી ફેબ્રુઆરી સુધી દરરોજ સાંજે 7:45 અને 9:45 કલાકે ચંદ્ર નવા વર્ષને સમર્પિત વિશેષ LED અને લેસર શો જુઓ.”
પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયો એડિટેડ છે. જેમાં ઘણી બધી ક્ષતિઓ પણ જોવા મળી હતી. વધુમાં અમને md.mahinkhan60 નામના એક ટીકટોક યુઝર દ્વારા આજ વીડિયો એક સારા રિઝોલ્યુશન સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો.
આ વીડિયોમાં સૌપ્રથમ અમને એ જોવા મળ્યું હતું કે, મુસ્કાન ખાનના સ્પેલિંગમાં ‘Muskan’ ની જગ્યાએ ‘Muskahan’ લખવામાં આવ્યું છે. બુર્જ ખલિફાનું આયોજન અને જાળવણી ટીમ આટલી મોટી ભૂલ કરે એવી કોઈ શક્યતા નથી.
બીજું જ્યારે ફ્લેશલાઈટ બંધ થાય છે ત્યારે પણ આપણે વીડિયોમાં ‘Muskahan’ નામ લખેલું જોઈ શકીએ છીએ. તે બતાવે છે કે, વીડિયોમાં આ શબ્દ એડિટ કરવામાં આવ્યો છે.
ત્રીજું, આપણે એ પણ જોઈ શકીએ છીએ કે, મુસ્કાન ખાનનો ફોટો ઈમારતના માપની બહાર છે જે શક્ય નથી.
અંતમાં એવું લાગે છે કે ‘Muskahan’ નામ ઈમારત પર રહેવાને બદલે તેના ઉપર ઉપસેલું હોય તેવું લાગે છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવતો જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવવામાં આવ્યો….
Fact Check By: Vikas VyasResult: False
