શું ખરેખર સાપુતારા જવાના રસ્તા પર થયેલી લૂંટનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કારચાલક પાસેથી કરવામાં આવેલી લૂંટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાપુતારા જવાના રસ્તા પર કારચાલક પાસેથી થયેલી લૂંટનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સાપુતારાના રસ્તાનો નહીં પરંતુ રાજસ્થાનના ઉદયપુર નજીક બનેલી ઘટનાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Harendra Thakar નામના ફેસબુક યુઝર દ્વારા 14 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સાપૂતારા રોડ પર લૂટફાટ ચાલુ થઈ ગઈ છે. હમણાં બને તો દૂર કે ટ્રાફિક ઓછો હોય તેવા રસ્તાઓ પર એકલ દોકલ કાર લઈ મુસાફરીએ જવાનું ટાળો.🙏🏻🙏🏻🙏🏻. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાપુતારા જવાના રસ્તા પર કારચાલક પાસેથી થયેલી લૂંટનો આ વીડિયો છે.

screenshot-www.facebook.com-2021.06.15-23_01_52.png

Facebook Post

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Zee Rajasthan દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજસ્થાનના ઉદયપુર નજીક બડી તાલાબ વિસ્તારમાં કારચાલક યુવક અને યુવતી સાથે ચાકુની અણી પર લૂંટ ચલાવવાની ઘટના બની છે. જેમાં બાઈક પર આવેલા બે યુવકો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો યુવતી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ નાઇ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને News 18 Rajasthan દ્વારા 14 જૂન, 2021 ના રોજ આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉદયપુરના બડી તાલાબ પાસે થયેલી લૂંટના બંને આરોપી લાલા કાલબેલિયા અને રાહુલ મેઘવાલને જિલ્લાની સ્પેશિયલ ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યા છે.

Archive

આજ માહિતી સાથેના અન્ય સામાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. patrika.com | news24udaipur

ત્યાર બાદ અમને ડાંગના એસપી દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ SP DANG પર 14 જૂન, 2021 ના રોજ આજ વીડિયો પર કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ ડાંગ-આહવા જિલ્લા પોલીસ દ્વારા જનતાને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો  વીડિયો સાપુતારાનો ન હોવાનું તેમજ આ વીડિયો રાજસ્થાનના ઉદયપુરનો હોવાનું જણાવવામાં આવ્યું છે. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સાપુતારાના રસ્તાનો નહીં પરંતુ રાજસ્થાનના ઉદયપુર નજીક બનેલી ઘટનાનો છે.

Avatar

Title:શું ખરેખર સાપુતારા જવાના રસ્તા પર થયેલી લૂંટનો આ વીડિયો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •