શું ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 125 સીટો જીતશે…? જાણો આ તસવીરનું સત્ય…
આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝ દ્વારા એવો કોઈ સર્વે કરાયો નથી જેમાં આમ આદમી પાર્ટીને 125 સીટો મળી હોય.
આવતા મહિને 1 ડિસેમ્બરથી ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે તમામ ન્યૂઝ ચેનલો આ દરમિયાન અલગ-અલગ સર્વે કરી રહી છે, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે ગુજરાતમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળશે અને કોણ જીતશે.
આ દરમિયાન ઈન્ટરનેટ પર ગ્રાફિક્સ કાર્ડની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ ગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલનો સર્વે છે. જેમાં ભાજપની 42, કોંગ્રેસની 14 અને આમ આદમી પાર્ટીની 125 બેઠકો આવવાની શક્યતા છે.
આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એબીપી દ્વારા કરાયેલ સર્વેમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 125 સીટ મળી રહી છે અને આપની સરકાર બની રહી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Kake Panchal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એબીપી દ્વારા કરાયેલ સર્વેમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 125 સીટ મળી રહી છે અને આપની સરકાર બની રહી છે.”
FACT CHECK
સૌ પ્રથમ, અમે જોયું કે આ તસવીરમાં એબીપી ન્યૂઝનો લોગો આપવામાં આવ્યો છે અને એન્કરનું નામ રૂબિકા લિયાકત છે. તમે નીચે આપેલ ચિત્રમાં જોઈ શકો છો.
આને ધ્યાનમાં રાખીને, અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કર્યું અને ઉપરોક્ત સર્વેક્ષણ શોધવાનો પ્રયાસ કર્યો. અમને ત્યાં આવો કોઈ સર્વે જોવા મળ્યો નથી. પરંતુ અમને એબીપી ન્યૂઝ દ્વારા 8 ઓક્ટોબર 2021ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વિડિયો મળ્યો.
તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના સર્વેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, આ તેમનો સર્વે છે. આ વિડિયો અને વાયરલ તસવીરમાં ઘણી વસ્તુઓ સમાન છે. તમે નીચે આપેલ ચિત્રમાં જોઈ શકો છો.
આ વિડિયો અને વાયરલ વિડિયોમાં રૂબિકા લિયાકત એ જ વાદળી રંગનો ડ્રેસ પહેર્યો છે. તમે જોઈ શકો છો કે બંને તસવીરોમાં જમણી બાજુ ગોવા, પંજાબ, યુપી, ઉત્તરાખંડ અને મણિપુરના તત્કાલીન મુખ્યમંત્રીઓની તસવીર દેખાઈ રહી છે. વાયરલ તસવીર અને વિડિયોમાંથી લેવામાં આવેલી તસવીરમાં બીજી ઘણી વસ્તુઓ સમાન છે. તમે નીચે આપેલ સરખામણી ચિત્રમાં જોઈ શકો છો.
તપાસમાં આગળ જતાં, અમને જાણવા મળ્યું કે એબીપી ન્યૂઝ દ્વારા 4 નવેમ્બરે જાહેર કરાયેલ ઓપિનિયન પોલ સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 131-139, કોંગ્રેસને 31-39, આમ આદમી પાર્ટી અને અન્યને 07-15 બેઠકો મળશે અને અન્યને 0-02 બેઠકો.
આ પછી અમે એબીપી અસ્મિતા ન્યુઝના એડિટર રોનક પટેલનો સંપર્ક કર્યો. અને વાયરલ થઈ રહેલી તસવીર અંગે તેમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે અમને કહ્યું કે “આ તસવીર નકલી છે. ABPએ આવો કોઈ સર્વે કર્યો નથી. ગુજરાત ચૂંટણી સંબંધિત ABP દ્વારા કરવામાં આવેલા તમામ સર્વેમાં આમ આદમી પાર્ટીને ક્યારેય 125 બેઠકો મળી નથી.
તપાસ દરમિયાન અમને કંઈક બીજું જ જણાયું. વાયરલ તસવીરમાં લખવામાં આવ્યું છે કે આ ગુજરાતના એક્ઝિટ પોલ સર્વેનો ડેટા છે. પરંતુ તમને જણાવી દઈએ કે એક્ઝિટ પોલ સર્વે ચૂંટણી પછી કરવામાં આવે છે. અને ગુજરાતમાં હજુ ચૂંટણી યોજાઈ ન હોવાથી કોઈ સર્વે કંપનીએ કોઈ એક્ઝિટ પોલ સર્વે કરાવ્યો નથી. તેના પરથી આપણે કહી શકીએ કે આ ડેટા નકલી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝે એવો કોઈ સર્વે કર્યો નથી જેમાં આમ આદમી પાર્ટીને 125 સીટો મળી હોય.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 125 સીટો જીતશે…? જાણો આ તસવીરનું સત્ય...
Fact Check By: Frany KariaResult: Altered