જાણો ટાયરમાંથી મળેલી 2000 ની નોટોના બંડલના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટાયરમાંથી મળેલી 2000 ની નોટોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં RBI દ્વારા 2000 ની નોટો સપ્ટેમ્બર માસ પછી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર બાદ ટાયરમાંથી મળી આવેલી 2000 ની નોટોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2019 માં કર્ણાટક ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
મનુભાઈ ઝાલા નામના ફેસબુક યુઝર દ્વારા 20 મે, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બે હજાર ની નોટ બ્હાર આવવાનું ચાલુ થઈ ગયુ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં RBI દ્વારા 2000 ની નોટો સપ્ટેમ્બર માસ પછી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર બાદ ટાયરમાંથી મળી આવેલી 2000 ની નોટોનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ANI દ્વારા 20 એપ્રિલ, 2019 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર પર મૂકવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો આયકર વિભાગ દ્વારા કરવામાં આવેલી છાપેમારીનો છે. જે અંતર્ગત 2.30 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ndtv.com | amarujala.com | jansatta.com
આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર NEWJ દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2019 માં કર્ણાટક ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો ટાયરમાંથી મળેલી 2000 ની નોટોના બંડલના વાયરલ વીડિયોનું શું છે સત્ય...
Written By: Vikas VyasResult: False