શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ખાડાવાળા રસ્તાનો ફોટો વારાણસીનો છે...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડાઓમાં પાણી ભરાયેલા રસ્તાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ઉત્તરપ્રદેશના વારાણસીના રસ્તાઓનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વારાણસીના ખાડાવાળા રસ્તાનો નહીં પરંતુ મુંબઈના ખાડાવાળા રસ્તાનો જૂનો ફોટો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક પેજ દ્વારા 14 સપ્ટેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ઉત્તરપ્રદેશના વારાણસીના રસ્તાઓનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને outlookindia.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેનો એક અહેવાલ 7 ઓગષ્ટ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં આ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો મુંબઈના પ્રતિક્ષા નગરના ખાડાવાળા રસ્તાઓનો છે. આ ફોટો ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા 23 જુલાઈ, 2017 ના રોજ મુંબઈ એડિશનમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો.
વધુમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ફોટો જર્નાલિસ્ટ એસ.આઈ.શાંથકુમાર દ્વારા ક્લિક કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વારાણસીના ખાડાવાળા રસ્તાનો નહીં પરંતુ મુંબઈના ખાડાવાળા રસ્તાનો જૂનો ફોટો છે.
Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ખાડાવાળા રસ્તાનો ફોટો વારાણસીનો છે...?
Fact Check By: Vikas VyasResult: False