
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં શાળા બહાર છોકરીઓને હેરાન કરનાર યુવકને પોલીસે ફટકાર્યો પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુવકને મારી રહેલા પોલીસનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અમદાવાદના વસ્ત્રાલમાં શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર અસામાજિક તત્વોને પકડીને પોલીસે માર માર્યો તેનો છે. આ વીડિયોને તાજેતરની પરિસ્થિતિ કે કોઈ છોકરીઓને હેરાન કરવાની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ તાજેતરમાં આવી ઘટના બની હોય તેની પુષ્ટિ કરતો કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ કે સત્તાવાર સ્ત્રોત મળ્યો ન હતો.
ત્યાર બાદ અમે અમારી વધુ પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ ફોટો સાથેના વીડિયો સમાચાર સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા 15 માર્ચ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખા તત્વોના હાલ જોઈ લો.
અમારી વધુ તપાસમાં અમને આ જ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. vtvgujarati.com | gujarati.connectgujarat.com
ઉપરોક્ત સમાચાર અહેવાલમાં એવી માહિતી આપવામાં આવી છે કે, અમદાવાદનાં વસ્ત્રાલમાં રાત્રીનાં સુમારે આતંક મચાવનાર અસામાજીક તત્વોને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા રામોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પાણીપુરીની લારી રાખવા બાબતે ચાલતી બબાલની અદાવતમાં સમગ્ર ઘટના બની હતી. આ સમગ્ર ઘટનામાં પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવાર નામના શખ્શો વચ્ચે બબાલ થઈ હતી. સંગ્રામ સિકરવારની શોધમાં નીકળેલા શખ્સોએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો અને હથિયારો સાથે રસ્તા પર ઉતરી વાહન ચાલકોને પરેશાન કર્યા હતા. હાલ સમગ્ર ઘટનાને લઈ રામોલ પોલીસ દ્વારા એક સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ફરાર 4 આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
આ સમગ્ર સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો એક જૂની ઘટનાનો છે જેને શાળા બહાર વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુવકને મારી રહેલા પોલીસનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અમદાવાદના વસ્ત્રાલમાં શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર અસામાજિક તત્વોને પકડીને પોલીસે માર માર્યો તેનો છે. આ વીડિયોને તાજેતરની પરિસ્થિતિ કે કોઈ છોકરીઓને હેરાન કરવાની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


