ઓરિસ્સાના અતિક્રમણનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Lalit Patel‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ મા અમેરીકાના રાષ્ટ્રપતિ આવવાનાં છે તો ગરિબનુ જીવન ધૂળ ધાણી કરી નાખ્યું સરકારે ભાજપ હટાઓ દેશ બચાવો 😢😢. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદનો છે જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ આવવાના હોવાથી ગરીબોની લારીઓ તોડી નાંખવામાં આવી. આ પોસ્ટને 811 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 379 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 5000 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં લોકો જે ભાષા બોલી રહ્યા છે એ ગુજરાતી કે હિન્દી ભાષા નથી. તેથી અમને શંકા પેદા થઈ કે આ વીડિયો ગુજરાતનો તો નથી જ. ત્યાર બાદ અમે વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને OTV એટલે કે ODISA TELEVISION LTD દ્વારા 24 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “ભુવનેશ્વરમાં યુનિટ 1 માર્કેટની પાસે બી.એમ.સી.ના દબાણ હટાવો કાર્યક્રમના ભાગરૂપે ફળોની લારીઓ નષ્ટ કરવામાં આવી.” આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

OTV દ્વારા પ્રસારિત કરવામાં આવેલા વીડિયો અને પોસ્ટના વીડિયોની તુલના કરતાં અમને ઘણી સમાનતાઓ જોવા મળી હતી. વીડિયોમાં જોવા મળતી ક્રેનની કંપની Terex બંનેમાં તમે જોઈ શકો છો. આ સાથે વીડિયોમાં કેટલાક માણસોમાં પણ સમાનતા તમે જોઈ શકો છો.

ઉપરોક્ત સંશોધનને આધારે યુટ્યુબ પર જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને એક લોકલ સમાચાર ચેનલ Kanak News દ્વારા 24 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “BBSR યુનિટ 1 ના માર્કેટની અતિક્રમણ પ્રક્રિયા શરૂ, વ્યાપારિઓની પ્રતિક્રિયા.” આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને એક લોકલ સમાચારપત્ર pragativadi.com દ્વારા પણ આ સમાચારને 25 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભુવનેશ્વર નગરપાલિકા (બીએમસી) ની એક ટુકડી દ્વારા બુવનેશ્વરના માર્કેટ નંબર 1 ના વિસ્તારમાં એક દબાણ હટાવો અભિયાન ચલાવવામાં આવ્યું કે જ્યાં લારીવાળાઓ દ્વારા ખોટી રીતે સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદનો નહીં પરંતુ ઓરિસ્સાનો છે જ્યાં ભુવનેશ્વરના એક બજારમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદનો નહીં પરંતુ ઓરિસ્સાનો છે જ્યાં ભુવનેશ્વરના એક બજારમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:ઓરિસ્સાના અતિક્રમણનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False